જૂનાગઢ: ગીર પંથકમાં માવઠું અને પ્રતિકૂળ વાતાવરણની અસરને કારણે કેસર કેરીની આવક સામાન્ય સમય કરતા મોડી શરુ થઇ છે. પરંતુ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે 10 કિલો કેસર કેરીના બોક્સના ભાવ 500થી 1100 સુધી બોલાયો હતો. એટલે હવે સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ કેરી આરોગી શકશે.
ગીરની સુમધૂર ગણાતી કેસર કેરી માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. છેલા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું આવ્યું છે અને દર વર્ષે કેરીનો પાક થોડે ઘણે અંશે બગડે છે અથવા મોડો આવે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઇ હતી.ગીર પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે. પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.
જૂનાગઢ માર્કેટ યાર્ડના વેપારીએ આ અંગે જણાવ્યુ હતું કે, હાલ આ સમયમાં 25 થી 30 હજાર બોક્ષની આવક હોય છે તેની સામે 4થી 5 હજાર બોક્ષની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે હાલ 10 કિલોના 500 થી 1100 રૂપિયા છે જે કેરીની આવક વધતા ભાવ ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે. આંબાઓ પર કેરીનો ફાલ સારો જોવા મળી રહ્યો છે. જો આવક વધશે તો 10 કિલો કેરીનો ભાવ 400 થી 800 રુપિયા પણ થઇ શકે છે. જ્યારે કેરીના ઇજારદારોના કહેવા મુજબ કેરીમાં ખુબ નુકશાન છે અમને ઇજારાના ભાવ મળશે કે નહિ તે હજુ નક્કી નથી. પણ હાલ કેરીની આવક વધી છે જો આવા ભાવ રહેશે તો વાંધો નહિ બાકી કેરીમાં ચાલુ સાલે નુકશાન વેઠવું પડશે.
રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ રહી છે. આ માવઠાની અસરથી કેરીના ખેડૂતોને ચિંતા છે કે તેમનો પાક સારો રહેશે કે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચથી સાતમી તારીખમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી છે. માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેરીના બાગાયતદાર ખેડુતો ચિંતિંત બન્યા છે.