રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના મોટા ગણાતા ભાદર ડેમ- 1માંથી રવિપાક માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે કેનાલ બેકાંઠે વહેતી થતા આ વિસ્તારના ખેડૂતોના ચહેરા મલકી ઉઠ્યા છે. આ વર્ષે ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા શિયાળુ પાક માટે પણ પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. સોમવારે ભાદર કેનાલમાં પાણી છોડાયું હતું. તેથી 48 ગામની 5000 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ જિલ્લામાં આ વખતે ચામાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાઇ ગયો હતો અથવા તો બળી ગયો હતો. જેને લઈને ચોમાસુ પાક નિષ્ફળ જતા ખેડૂતો શિયાળુ પાક પર આશા રાખીને બેઠા છે. ત્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટા ભાદર ડેમ-1માંથી રવિપાક માટે પાણી છોડાતા રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લાઓના 48 ગામોની 5000 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનો લાભ મળશે.
સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના 47 ગામોની 5 હજાર હેકટર જેટલી ખેતીની ગામોના 4700 જેટલાં ખેડૂતોએ શિયાળુ પાક માટે ફોર્મ ભરતા તેઓ કેનાલમાંથી પાણીનો લાભ મેળવી શકશે .ભાદરડેમ-1ની કેનાલમાંથી સોમવારે પાણી છોડવામાં આવ્યું ત્યારે ડેપ્યુટી ઈજનેર એમ.વી. મોવલીયા ઉપસ્થિત રહ્યા હતા. ડેમના સેક્શન ઓફિસર જણાવ્યું હતું કે ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતના છ પાણ આપવામાં આવશે અને ડેમમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાથી જરૂર પડશે તો ઉનાળુ પાક માટે પણ કેનાલ મારફત પાણી છોડવામાં આવશે.