Site icon Revoi.in

સુરતમાં વીજળીના સ્માર્ટ મીટર સામે 5000 લોકોએ કરી વાંધા અરજી, કોંગ્રેસે આપ્યો લડતને ટેકો

Social Share

સુરતઃ ગુજરાતભરમાં વીજળીના સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટરને લીધે વીજળીના તોતિંગ બિલો આવી રહ્યા છે. બે મહિનામાં જેટલું વીજળીનું બિલ આવતું હતું. તે પ્રમાણે લોકોએ સ્માર્ટ મીટર રિચાર્જ કરાવ્યા બાદ અઠવાડિયામાં રિચાર્જ પુરૂ થઈ જાય છે. એટલે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર સામે વિરોધ ઊભો થયો છે. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્માર્ટ મીટર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. લોકો સ્માર્ટ મીટર કાઢી લઈને જૂના મીટરો ફરી સ્થાપિત કરી દેવા માગ કરી રહ્યા છે.

સુરતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં પૂણા ગામના લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના કાર્યાલયે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. દેખાવકારોએ સ્માર્ટ મીટર ન લગાવવા વાંધા અરજીઓ દાખલ કરી હતી. આ અરજી તેમણે ડીજીવીસીએલના એમડીને સોંપી હતી. કોંગ્રેસ અને આપના કાર્યકરોના નેતૃત્વમાં આયોજિત દેખાવોમાં 5000થી વધુ લોકોએ DGVCLના એમડીને અરજી સોંપી હતી અને સ્માર્ટ મીટર ન લગાવવા માગ કરી હતી. કોંગ્રેસના આગેવાનોની સાથે સોસાયટીના પ્રમુખો પણ આ દેખાવોમાં સામેલ થયા હતા.

સુરત ઉપરાંત વડોદરામાં પણ સ્માર્ટ વીજ મીટરની આગ દિન પ્રતિદિન વધુ પ્રજ્વલિત થઈ રહી છે ત્યારે લોકો એવો પ્રશ્ન કરી રહ્યા છે. કે, જુના વીજ મીટરમાં એવી તો શું ખામી આવી કે રાતોરાત સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું. આ અંગે જે લોકોને ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે તેવા વડોદરાના કેટલાક વિસ્તારો સહિત આસપાસના ભોગ બનેલા ગ્રામ્યજનોને એકત્ર કરીને સામાજિક કાર્યકરના નેજા હેઠળ જન આંદોલન અને ધરણાનો કાર્યક્રમ નક્કી કરવા સહિત કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.