ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉમેર્યું કે, ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રાજ્ય સરકારે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ઉપાડ્યું છે, જે ઝડપભેર આગળ વધી રહ્યું છે.
વાસદ એસ.વી.આઇ.ટી. કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.
રાજ્યપાલ દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુરુદેવ રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે. રાજ્યપાલે ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ જેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો માનવજાતને મળી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.
તેમણે સીડબોલ બનાવવા માટે નોંધાયેલા વર્લ્ડ રેકોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, દેશી બીજને બચાવવા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. આજે દુનિયામાં બોંબ દ્વારા લોકો મરી રહ્યા છે, પરંતુ આજે બનાવવા આવેલ સીડબોમ્બ એ લોકોને બચાવવા માટેનો બોમ્બ છે, તે આપણે વરસાવવાનો છે, તેમ જણાવી એમણે આ સીડબોમ્બ દ્વારા દુનિયાનું ભલું થશે તેવી કામના પણ વ્યક્ત કરી હતી. શ્રી શ્રી રવિશંકરજીએ દુનિયામાં પર્યાવરણની જાળવણી નથી થઈ તેના કારણે આપણે કલાઈમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ, તેમ જણાવતા ઉમેર્યું હતું કે, સીડબોમ્બ દ્વારા આપણે ધરતીમાં બીજારોપણ કરી પર્યાવરણની જાળવણી માટેનું કાર્ય કરવાનું છે. બીજમાં અવ્યક્ત રહેલા વૃક્ષને બીજારોપણ દ્વારા વ્યક્ત કરવાનું કાર્ય શ્રેષ્ઠતમ કાર્ય છે.