- કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી,
- 31મી ઓક્ટોબરને સરદાર પટેલની જ્યંતીને લીધે આયોજન કરાયું,
- દિવાળીની રજામાં 5000નો લક્ષ્યાંક અપાતા કચવાટ
ગાંધીનગરઃ શહેરમાં આગામી તા. 31 ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસે સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી દોડનું આયોજન કરાયુ છે. તાજેતરમાં રન ફોર યુનિટીને સફળ બનાવવા માટે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચાર પાંચ હજાર લોકોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવતા તહેવારોમાં અધિકારો પણ અવઢવમાં મુકાઈ ગયા છે.
તા.31મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘રન ફોર યુનિટી’નું સુચારું આયોજન કરવા ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક અંતર્ગત કલેકટર દ્વારા 31 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર હોવાથી વિશેષરૂપે આ કાર્યક્રમનું આયોજન સુચારું રૂપે કરાય તેનું ધ્યાન રાખવા જિલ્લા અધિકારી, પદાધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારી ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ અંતર્ગત સેન્ટ્રલ વિસ્ટા ખાતે થઈ રહેલા આયોજનમાં ગાંધીનગરના ચારથી પાંચ હજાર લોકોને જોડવાનો લક્ષ્યાંક છે. જેને લઈ અધિકારી કર્મચારીઓ પણ અવઢવમાં પડી ગયા છે. કારણ કે દિવાળીના તહેવારને લીધે રન ફોર યુનિટી માટે લોકોને ભેગા કરવાનું કામ અઘરૂ છે. વર્ષ 2012 થી ‘રન ફોર યુનિટી’ નો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમ આ વર્ષે પણ સૌના સહયોગથી એકતા દોડનું શ્રેષ્ઠ પ્રદર્શન થાય તેવી આશા તંત્રને છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં દિવાળી વેકેશન પડી ગયું છે. એવામાં ચાર પાંચ હજારની મેદની રન ફોર યુનિટી દોડમાં જોડવા તંત્રના બાબુઓ ચિંતામાં મુકાઈ ગયા છે.