ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આગામી તા.10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ ઉદ્યોગજગતના દેશ-વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગાંધીનગરને સજાવવાથી લઇને વાયબ્રન્ટ સમિટમાં આવનારા દેશ-વિદેશના મહેમાનો, વીવીઆઇપીની સલામતી સહિતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના એન્ટ્રી પોઇન્ટથી લઇને વીવીઇપી રૂટ અને કોન્ફરન્સના મુખ્ય સ્થળો સહિતની સલામતી વ્યવસ્થા માટે 5 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સુટ-બુટમાં સજ્જ રહેશે.
ગાંધીનગર એસપી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ વાયબ્રન્ટ સમિટ દરમિયાન પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાશે. ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લા, ખેડા, આણંદ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની પોલીસને પણ વાયબ્રન્ટ સમિટના બંદોબસ્ત માટે તૈનાત કરાશે. આ ઉપરાંત એસઆરપીની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવશે. ગાંધીનગર શહેર તેમજ વીવીઆઇપી અવરજવરના તમામ રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના તમામ મુખ્ય માર્ગો, મહાત્મા મંદિર, વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પરંતુ એકપણ કોર્નર મોનિટરિંગ વિનાનો ન રહી જાય તે માટે વધારાના 500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. એના માટે કન્ટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં 1થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ સમિટ અંતર્ગત મુખ્ય ત્રણ લોકેશન મહાત્મા મંદિર, વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી ખાતે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે. તે ઉપરાંત આ ત્રણેય સ્થળોએ જતા મુખ્ય રૂટ, એરપોર્ટ અને અમદાવાદની હોટેલથી આવતા વીવીઆઇપી મહેમાનોના રૂટનું પણ સીસીટીવીથી સરવેલન્સ કરવામાં આવશે. વીવીઆઇપી મૂવમેન્ટને કોઇ અડચણ ન આવે તે માટે ત્રણ દિવસ ત્રણ મુખ્ય માર્ગો પણ અન્ય ટ્રાફિક માટે બંધ રાખવામાં આવશે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા આવનારા મહેમાનો, પ્રતિનિધિઓ અને મુલાકાતીઓના વાહનોના પાર્કિંગ તેમજ ગાંધીનગરની ટ્રાફિક વ્યવસ્થાના આયોજન, મોનિટરીંગ માટે ડીજીપી લો એન્ડ ઓર્ડરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે. જેમાં અમદાવાદના જેસીપી ટ્રાફિક, ગાંધીનગર એસપી, અમદાવાદ અને ગાંધીનગર આરટીઓ, જીએમસીના ડીવાયએમસી, ગરૂડ, ગિફ્ટ સિટી, મેટ્રો રેલ કંપનીના પ્રતિનિધિઓ તેમજ નેશનલ હાઇવેના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહાત્મા મંદિર, એક્ઝિબિશન સેન્ટર અને ગિફ્ટ સિટી એમ ત્રણ સ્થળે યોજાનારી ઇવેન્ટ માટે પાર્કિંગની વ્યવસ્થા કરાશે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન પોલીસ દ્વારા સતત સીસીટીવી દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. આ માટે માર્ગો અને કાર્યક્રમ સ્થળો ઉપરાંત તમામ પાર્કિંગના સ્થળોએ પણ સીસીટીવી લગાવવામાં આવશે. તમામ કેટેગરીના પાર્કિંગમાં સીસીટીવી ફરજિયાત લગાવાશે. જેથી દરેક મૂવમેન્ટ પર પોલીસની નજર રહેશે.