અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હવે છેલ્લા મહિનાઓથી કોરોનાના કેસમાં સતત ઘટાડાને લીધે સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. શાળા-કોલેજોમાં પણ ઓફલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના મૃતકોના સ્વજનો હજુ પણ આપત્તી કાળને ભુલી શક્યા નથી. ત્યારે સરકારે કોરોનાના મૃતકોના વારસદારોને રૂપિયા 50,000 સહાય આપવાની જાહેરાત કર્યા બાદ રાજ્યભરમાં સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ કર્યુ છે. સરકારે ઝડપથી આર્થિક સહાય ચુકવામાં આવે તેવી જિલ્લા કલેક્ટરોને સુચના આપી હતી. દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં સહાય માચે આવેલી અરજીઓની ચકાસણા કરીને 1197 ફોર્મ માન્ય કરીને 958ને ઓનલાઈન સહાય ચુકવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે કોરોનાના મૃતકોના વારસદારને રૂપિયા 50 હજાર આર્થિક સહાય જાહેર કરી છે. અરજી કર્યાના 24 કલાકમાં ફોર્મની ચકાસણી થાય તેવી વ્યવસ્થા જિલ્લા કલેકટર કચેરીએ કરી છે. મામલતદાર કચેરીએ અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી ભરાઇને આવેલા 1197 ફોર્મ માન્ય કરીને શહેરી વિસ્તારમાં 958ને ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેકકટર કચેરીના ઉચ્ચઅધિકારીના જણાવ્યા છેલ્લા 5 દિવસમાં કુલ 1197 ફોર્મ મંજૂર કરાયા હતા. જેમાંથી 91 ગ્રામ્ય વિસ્તારના છે. શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 1049ને સહાય ચૂકવાઇ છે. કલેકટર કચેરીમાં કોરોનાના સહાય ચૂકવવાની કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લા કલેકટર કચેરીના ઉચ્ચઅધિકારી સહાયની કામગીરી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે. શહેરમાં કોરોનાના 4 કેસ નોંધાયા છે. જ્યારે 9 લોકોને રજા અપાઈ છે. રવિવારે વધુ 15,458 લોકોને રસી મૂકવામાં આવી હતી. જેમાં 2,916 લોકોને પ્રથમ જ્યારે 12,542 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.