Site icon Revoi.in

અમદાવાદમાં 50,000 વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું, ડીજે સાથે ભાવિકો રિવરફ્રન્ટ પહોંચ્યાં

Social Share

અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે ગણેશજી વિસર્જનનો ઉત્સવ આનંદોલ્લાસથી ઊજવાયો હતો. ગણેશ મહોત્સવના આજે  છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિઓનું મ્યુનિ.એ બનાવેલા 41 કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકી હતી. આ ઉપરાંત 47 જેસીબી અને 126 ડમ્પરની વ્યવસ્થા કરવામાં આવી હતી.  દિવસ દરમિયાન જુદા જુદા વિસર્જનના સ્થળે ફાયર વિભાગના 170થી વધુ કર્મચારી હાજર રહ્યા હતા. ચાલુ વર્ષે પોલીસે ગણેશ વિસર્જન માટે સરઘસની મંજૂરી આપી હોવાથી તકેદારીના ભાગરૂપે 10 હજાર પોલીસ – સુરક્ષા કર્મચારીઓ બંદાબસ્તમાં મુકાયા હતા.

પોલીસે સાર્વજનિક ગણેશ વિસર્જનના સરઘસમાં માત્ર 15 વ્યકિતને જોડાવવા માટેની મંજૂરી આપી હતી. એટલું જ નહીં જો ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ જુદા જુદા ઝોનમાં આવતુ હોય તો વિસર્જન માટે પોલીસ કમિશનર કચેરીમાંથી મંજૂરી લેવાની ફરજ પડી હતી.. જ્યારે ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ એક જ ઝોનમાં આવતું હોય તો સ્થાનિક પોલીસની મંજૂરી લેવી પડી હતી. જ્યારે ગણપતિ વિસર્જનના સરઘસમાં જોડાનારા 15 માણસોના નામ – સરનામા – મોબાઈલ નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસને આપવી પડી હતી.  અમદાવાદમાં 200 જગ્યાએ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે તમામ જગ્યાએ આયોજકોએ કોરોનાને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનનું સારી રીતે પાલન કરાવ્યું હતું. જેથી અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તમામ આયોજકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવના પ્રમુખ ગણેશ ક્ષત્રિય એ ગણપતિના તમામ આયોજકોને અપીલ કરી હતી કે ચાલુ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે પણ સરકારે ગણેશ મહોત્સવ માટે મંજૂરી આપી છે. ત્યારે માટીના ગણપતિનું સ્થળ ઉપર જ પંચામૃતથી અભિષેક કરીને વિસર્જન કરવામાં આવે. એટલું જ નહીં જે પાણીમાં ગણપતિનું વિસર્જન કરવામાં આવે તેનો છંટકાવ ઘરમાં કરવો અને માટી કુંડામાં ભરીને તેમાં તુલસીનો કયારો વાવવો. માર્ચ 2020થી કોરોનાના કારણે લગ્ન, રાસ ગરબા સહિતના તમામ કાર્યક્રમો બંધ હોવાથી ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત અત્યંત કફોડી બની હતી. પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકારે ગણેશ મહોત્સવને મંજૂરી આપી હોવાથી ગણેશ વિસર્જનના સરઘસ માટે આયોજકોએ ડીજે બુક કરાવ્યા હતા. જેના કારણે છેલ્લા દોઢ વર્ષથી સંપૂર્ણ બંધ રહેલા ડીજેના વ્યવસાયને જીવતદાન મળ્યું હતું