ભાવનગરઃ જિલ્લામાં ઉનાળુ વાવેતર પૂર્ણ થયું છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે, એવા વિસ્તારોમાં ઉનાળું વાવેતર સૌથી વધુ થયું છે. જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો છે. જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું સૌથી વધુ વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 51,258 હેક્ટરમાં ઉનાળુ વાવેતર કરાયુ છે.
જિલ્લાના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના કુલ 51,258 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજા તાલુકામાં જ 20,262 હેક્ટર વાવેતરમાં થયુ છે જેમાં મુખ્યત્વે બાજરી 4,348 હેક્ટર, મગફળી 4,230 હેક્ટર, તલ 3,690 હેક્ટરનું વાવેતર કરાયુ છે. જે જિલ્લામાં સૌથી વધુ છે, જ્યારે મગ 730 હેક્ટર, અડદ 140 હેક્ટર, ડુંગળી 390 હેક્ટર, શાકભાજી 785 હેક્ટર, શેરડી 69 હેક્ટર ઘાસચારો 5,870 હેક્ટર અને મકાઈ થોડું ઘણું 20 હેક્ટરનુ વાવેતર કરાયું છે. તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 52,358 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 20,262 હેક્ટરનો રહ્યો છે,
ભાવનગર જિલ્લામાં ખરીફ ચોમાસુ સીઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ 4,38,000 હેક્ટરનું વાવેતર થાય છે અને ત્યારબાદ રવિ શિયાળુ સિઝનમાં અંદાજિત 1,50,000 હેક્ટરનુ વાવેતર થાય છે પરંતુ ઉનાળુ વાવેતરના સમયે જમીનના પાણીના તળ ઊંડા ઉતરી ગયા હોય છે અને ઊંડા ભૂગર્ભ જળમાં ખારાશ પ્રસરી જવાથી ખેતી લાયક પિયત પાણીના અભાવે વાવેતર ઘટીને અંદાજિત 50 થી 55 હજાર હેક્ટરમાં જ ખેતી થઈ શકે એવી સ્થિતિ છે આવા કારણોસર ધરતીના ભૂગર્ભમાં જળસંચયનું મહત્વ દરેક સ્તરે સ્વીકારાયેલ છે.