પશ્વિમ બંગાળ અને નાગાલેન્ડથી આવેલા BSFના 52 જવાનો કોરોના સંક્રમિત બન્યા
પાલનપુર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેના લીધે સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. અમદાવાદમાં એક સમયે 1500 કોરોનાના કેસ નોંધાતા હતા, હવે 5 કેસ પણ નોંધાતા નથી, કોરોનાના સંભવિત ત્રીજા વેવની સંભાવનાને કારણે સરકારે લોકોને સાવચેત કરીને તકેદારી રાખવાની સુચના આપી છે. ત્યારે બનાસકાંઠામાં એકસાથે બીએસએફના 52 જવાનો કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તમામ જવાનોને થરાદની એક શાળામાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 બીએસએફ જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મચી ગઈ હતી. બનાસકાંઠામાં અત્યાર સુધી બીએસએફના 52 જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 બીએસએફ જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના નવા 24 નવા કેસ નોંધાયા હતા. પરંતુ બનાસકાંઠામાં બહારથી આવેલા જવાનોથી ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ દિવસમાં 52 કેસ આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે.