ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજન સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે કુલ ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબવેલ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મીની યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં જરૂરિયાત જણાશે તો નવીન ૨૦૦ D.R. બોર તથા ૩૦૦૦ જેટલા D.T.H. બોર બનાવવાનું પણ આયોજન છે. રાજ્યના અગરિયાઓને દરિયા કાંઠે પાણી પુરું પાડવા માટે જરૂરિયાત જણાય તો ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, પીવાના પાણીની ફરિયાદો મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ કાર્યરત છે. જે ૨૪ કલાક ચાલુ રહે છે અને ફરિયાદ મળેથી ક્ષેત્રિય કચેરી દ્વારા તાત્કાલિક ફરિયાદનો નિકાલ થાય તેની તકેદારી લેવામાં આવે છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા કુલ ૨૬૬ જુથ યોજનાઓ અંતર્ગત નર્મદા આધારિત ૧૦,૦૪૦ ગામો તથા અન્ય સરફેસ સોર્સ આધારિત ૪,૪૨૦ ગામો મળી કુલ ૧૪,૪૬૦ ગામોને પાણીનો પુરવઠો પુરો પાડવા આવરી લીધા છે. જ્યારે અન્ય બાકી રહેતા ગામો સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના (મિનિ યોજના, ટ્યુબ વેલ, સાદા કુવા, હેન્ડ પમ્પ) મારફત પાણી પુરવઠો મેળવે છે.
મંત્રીએ ઉમેર્યુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે બલ્ક વોટર સપ્લાય ગ્રીડ મારફત હાલ સરેરાશ ૧૯૫૦ એમ.એલ.ડી. પાણી વિતરણ કરવામાં આવે છે. જે ઉનાળામાં જરૂરિયાત મુજબ ૨૨૦૦ થી ૨૩૦૦ એમ.એલ.ડી. સુધી વિતરણ કરવાનું આયોજન છે. તેવી જ રીતે દરિયા કાંઠાના ભાવનગર, ગિર સોમનાથ, અમરેલી જિલ્લા માટે બુધેલ થી બોરડા બલ્ક પાઇપલાઇનની યોજના તાજેતરમાં પુર્ણ કરવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના ગામો તથા શહેરોને વધારાનું ૧૮૦ એમ.એલ.ડી. પાણી પુરું પાડી શકાશે.
મંત્રીએ વધુમાં કહ્યુ કે, ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે ૧૪ જિલ્લાઓમાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવેલ છે. એટલુ જ નહિ, ગ્રામ્ય વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને ખાતા દ્વારા આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યુ છે. તેમજ દર ૧૫ દિવસે આ ગ્રામ્ય કક્ષાના ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.
મંત્રીએ જળાશયોની સ્થિતિ અંગે માહિતી આપતા ઉમેર્યુ કે, રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ ૧૧૧૬ બંધો આવેલા છે. જે પૈકી મધ્યમ અને મોટા કુલ ૨૦૭ બંધોમાં તેમની કુલ સંગ્રહશક્તિ ૮,૯૨,૦૦૦ મી.ઘનફુટ સામે આજે તા.૧૨/૦૪/૨૦૨૩ની સ્થિતીએ ૪,૧૪,૫૦૦ મિ.ધનફુટ એટલે કે ૫૩ ટકા જળસંગ્રહ થયેલો છે.
પીવાના પાણી માટે આરક્ષિત બંધોની કુલ ક્ષમતા અને ઉપલબ્ધ જથ્થાની વિગતો આપતા મંત્રીએ કહ્યુ કે, પીવાના પાણી માટે આરક્ષિત બંધોની કુલ સંખ્યા ૭૩ છે. જેની કુલ ક્ષમતા ૫,૦૧,૭૦૦ મી.ઘનફુટ છે. તેની સામે આજે તા ૧૨/૦૪/૨૦૨૩ની સ્થિતિએ ઉપલબ્ધ જથ્થો ૨,૫૨,૦૦૦ મી. ઘનફુટ એટલે કે ૫૦.૩૨ ટકા જથ્થો ઉપલબ્ધ છે. જેની સામે પીવાના પાણીની જરૂરીયાત ૪૬,૦૦૦ મી.ઘનફુટ છે. આટલો જથ્થો પર્યાપ્ત છે. એટલુ જ નહિ, પીવાના પાણી માટેના જળાશયોમાં પીવાનું પાણી અનામત રાખ્યા બાદનો જથ્થો તેમજ અન્ય જળાશયોમાંથી ઉપલબ્ધ જથ્થામાંથી ખેડૂતોની માંગણી આવ્યેથી ઉનાળામાં સિંચાઇ માટે આયોજન છે.