- દેશમાં 67 કોમર્શિયલ વાહનો ભંગાલમાં ફેરવાયાં
- પ્રદુષણ અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો
- સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાહનો સ્ક્રેપ થયાં
નવી દિલ્હીઃ પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલી આપવાની યોજના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષના સમયગાળામાં રજિસ્ટર્ટ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફએસ) ખાતે 5426 વાહનો સ્ક્રેપ થયાં છે. જેમાં 5359 જેટલા ખાનગી અને 67 કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે. સમગ્ર દેશમાં સૌથી વધારે વાહનો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં સ્ક્રેપ થયાં છે.
રાજ્યસભામાં સાંસદ અમી યાજ્ઞિકના એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક વર્ષમાં 1053 ખાનગી અને 17 કોમર્શિયલ વાહનો સ્ક્રેપ થયાં છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે 4059 ખાનગી અને 50 કોમર્શિયલ વાહનો સ્ક્રેપ થયાં છે. મધ્યપ્રદેશમાં 188 ખાનગી વાહનો સ્ક્રેપ થયાં છે.
તેમણે વધુમાં કહ્યું કે, જૂના, અનફીટ અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરવાને પ્રોત્સાહન આપવા રોડ પરિવહન મંત્રાલયે નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલને મોટર વ્હીકલ ટેક્ષમાં 25 ટકા અને ટ્રાન્સપોર્ટ વ્હીકલને 15 ટકા કન્સેશન આપવાનુ નક્કી કર્યુ છે. આ કન્સેશન સ્ક્રેપ કરાવતી વખતે અપાયેલ સર્ટીફીકેટ ઓફ ડીપોઝીટ સામે નવુ વાહન ખરીદતી વખતે અપાશે. બધી આરવીએસએફએસ ખાનગી છે. સ્ક્રેપ થનાર વાહનની કિંમત નક્કી કરવામાં સરકારની કોઇ દખલ નથી તેમની કિંમતો બજાર અનુસાર નક્કી થાય છે.
(PHOTO-FILE)