- 321 બુથ પર સવારથી મતદારોની લાગી લાઈનો,
- ભાખરી ગામે EVM મશીન ખોટકાયાં,
- તમામ બુથ પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો
પાલનપુરઃ બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતદાનને લીધે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાવ, સુઈગામ અને ભાંભરના 179 ગામોના 321 મતદાન કેન્દ્રો પર સવારથી મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. અને મતદાનના 8 કલાકમાં 55.03 ટકા મતદાન થયું હતું, જ્યારે બપોર એક વાગ્યા સુધીમાં 39.12 ટકા મતદાન થયુ હતુ. જ્યારે મતદાન પૂર્ણ થતાં સરેરાશ મતદાન 74 ટકા થયુ છે. વહેલી સવારે સાત વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 10 કલાકમાં 67.13 % વોટિંગ થયું હતું
વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો છે, આ ચૂંટણીમાં મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન માટે બહાર નિકળી હતી, બપોરે 1 વાગ્યા સુધીમાં વાવ બેઠક માટે 39.12 % મતદાન નોંધાયું હતુ. ભાભરના મતદાન કેન્દ્રો પર બોગસ મતદાનની ફરિયાદો પણ ઊઠી હતી. તમામ બુથ પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 6 કલાકમાં 24.39% વોટિંગ થયું હતુ. ત્યારબાદ મતદાનમાં ખાસ્સો વધારો થયો હતો વહેલી સવારે સાત વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી 8 કલાકમાં 55.03 વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે. જોકે, ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડી નાંખ્યું હોય એવું લાગી રહ્યું છે
વાવ વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. જેમનું ભાવિ આજે 3 લાખ 10 હજાર 681 મતદારોએ EVMમાં સીલ કર્યું હતું. વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર મતદાન થયું છે. જેમાં 97 જેટલાં સંવેદનસીલ મતદાન મથકો છે. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબ કાસ્ટિંગ કેમેરા પણ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મતદાન પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડેપગે રહ્યા હતા. જેમાં 4 DySP, 8 PI અને 30 PSI સહિત પોલીસકર્મીઓ સામેલ છે.
વાવ વિધાન સભાની પેટા ચૂંટણીમાં બને ઉમેદવારો મોરીખા ગામે પહોંચ્યા. ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મોરીખા પહોંચ્યા. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હાથ મિલાવવા હાથ લાંબાવ્યો પણ કોંગ્રેસ ઉમેદવારે હાથ ન મિલાવ્યો. બને ઉમેદવારોએ સામ સામે હાથ જોડી રામ રામ કર્યા. ગુલાબસિંહ બોલ્યા ગુલાબ ખીલશે કહી હરખાતા નજરે પડ્યા. તેમણે કહ્યું કે ત્રીજી વખત વાવમાં હેટ્રિક થશે. વાવમાં મતદાન કરવા આવતા મતદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા ધારાસભ્ય કેવા હોવા જોઈએ તો જવાબ મળ્યો કે અડધી રાતે જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્યને પસંદ કરીશું. વાવના ભાખરી ગામે EVM ખોટકાયું હતું જેમાં 140 મત પડ્યા હતા. તેને હવે સીલ મારીને નવું ઈવીએમ મશીન મૂકવામાં આવ્યું છે. વાવના ભાખરી મતદાન મથક-1 નું EVM ખોટકાયું હતું. વહેલી સવારથી જ EVM ખોટવાતા મતદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો.