Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 55.41 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર

Social Share

અમદાવાદઃ પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે તેમ SEOC, ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમા 58.32 ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં 36 ટકા જેટલો વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 55,41,706 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની 13 ટીમ અને વિવિધ 16 જિલ્લાઓમાં SDRFની 21 પ્લાટૂન તહેનાત છે.

તેમણે કહ્યું હતું કે, નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે  આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ 1026 ટીમો કાર્યરત છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. બીજી તરફ સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.