અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે પ્રવેશોત્સવ યોજીને વધુને વધુ બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. બાળકો હરખભેર શાળામાં પ્રવેશ પણ લેતા હોય છે. પરંતુ ઘણા બાળકોને તેના માતપિતા અધુરૂ ભણતર છોડાવીને શાળાએથી ઉઠાડી લેતા હોય છે. છોકરાઓ કરતા છોકરીઓને ભણતર છોડાવી દેવાની સંખ્યા વધુ છે. રાજ્યમાં ધો.1થી અભ્યાસ શરૂ કરતી 100માંથી 55 વિદ્યાર્થિનીઓ ધો.12 સુધી પહોંચતા પુર્વે જ ભણતર છોડી દેતી હોય છે. માત્ર 45 ટકા વિદ્યાર્થિનીઓ જ ધો.12માં પહોંચે છે તેવા ચોંકાવનારા તારણ નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં બહાર આવ્યા છે. 41 ટકા બાળકો (વિદ્યાર્થીઓ) પણ ધો.1થી12 દરમિયાન અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.
ગુજરાતમાં વર્ષ 2019 થી 2021 દરમિયાન હાથ ધરાયેલા આ સર્વે અંતર્ગત 55.1 ટકા વિદ્યાર્થિનીઓ તથા 41.2 ટકા વિદ્યાર્થીઓ ધો.1થી12 ની અભ્યાસ સફર દરમિયાન અધવચ્ચે જ ભણતર છોડી દેતા હોય છે. 2005-06ના સર્વેના આંકડા કરતા હાલતમાં આંશિક સુધારો હોવા છતાં ભણતરને કારણે ગુજરાત સામાજિક વિકાસ સૂચકાંકમાં ઘણુ પાછળ રહી જાય છે. 2019-20માં 57 ટકા બાળકો તથા 44 ટકા વિદ્યાર્થીનીઓ ઉચ્ચ માધ્યમિક સ્કુલ સુધી શિક્ષણ લઈ રહ્યા છે તે 15 વર્ષ પુર્વે અનુક્રમે 36 અને 28 ટકા હતા.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં એવા તારણો બહાર આવ્યા છે. કે, ગુજરાતમાં 6થી17 વર્ષમાં 82 ટકા વિદ્યાર્થીઓએ સ્કુલના પગથીયા ચડયા હોય છે તેમાં શહેરી વિસ્તારના 87 ટકા તથા ગ્રામ્ય વિસ્તારના 79 ટકા છે. 2005-06માં આ ટકાવારી 01 ટકા હતી. શહેરી ગ્રામ્ય વિસ્તારની ટકાવારી અનુક્રમે 74 અને 19 ટકા હતી. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે અધવચ્ચે ભણતર છોડવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર હોય છે. ખાનગી શાળા મંડળના પ્રમુખના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરવાની નીતિને કારણે ધો.5 સુધી તો ડ્રોપઆઉટ નથી હોતો પરંતુ ધો.10 પછી જ મોટો બદલાવ આવે છે. ધો.10માં સરેરાશ પરિણામ 65થી70 ટકા હોય છે. નાપાસ થતા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હોય છે. વિદ્યાર્થીનીને લાગેવળગે છે ત્યાં સુધી ઘર અને સ્કુલ વચ્ચેનું લાંબુ અંતર મોટો ભાગ ભજવે છે. પાયાનું પ્રાથમિક શિક્ષણ આસપાસ મળી જાય છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દુર હોય છે એટલે ભણાવવાનું ટાળે છે. આ સિવાય પાણી અને સેનીટેશનની વ્યવસ્થા ન હોવા જેવા કારણો પણ ભાગ ભજવે છે. વિદ્યાર્થીની માટે અલગ ટોઈલેટ ન હોય તો તે પણ ડ્રોપઆઉટનું એક કારણ છે. છેલ્લા વર્ષોમાં ડ્રોપઆઉટ ઘટવા પાછળના કારણોમાં મધ્યાહન ભોજન તથા સર્વ શિક્ષા અભિયાન છે.