અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદા નદીના ઉપરવાસ વિસ્તારમાં થઇ રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. સંભવતઃ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી તા.12 મી ઓગષ્ટ,2022ને શુક્રવારના રોજ 133.95 મીટરે નોંધાયેલ છે. અને દર કલાકે આશરે સરેરાશ ૦3 થી ૦4 સે.મી. પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યોં છે. જ્યારે ડેમમાં આશરે સરેરાશ 1.80 લાખ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઇ રહી છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 7861 મિલીયન ક્યુબીક મીટર (MCM) નોંધાયેલ છે. આશરે છેલ્લા 25 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું હોવાની જાણકારી સરદાર સરોવર-નર્મદા ડેમ વિભાગ તરફથી પ્રાપ્ત થઇ છે.
સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં આશરે છેલ્લા 25 દિવસથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 119 મીટરે હતી. હાલમાં છેલ્લા 25 દિવસથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 24 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.4 કરોડની કિંમતની 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
નર્મદા બંધના પાંચ દરવાજા આ સીઝનમાં પ્રથમ વખત શુક્રવારે બપોરે 12 વાગ્યે ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. શુક્રવારે નર્મદા બંધની જળ સપાટી 133.51 મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક 232208 ક્યુસેક અને જાવક 49487 ક્યુસેક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138,68 મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. તો લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી પણ લઈ રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાના ઉપરવાસમાં અને સ્ત્રાવ વિસ્તારોમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ઓમકારેશ્વર બંધમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સરદાર સરોવર જળાશય જળ આવકથી ભરાઈ રહ્યું છે. જેના પગલે નર્મદા નદી બે કાંઠે બની છે. વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે તકેદારીના ભાગ રૂપે નર્મદા કાંઠાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના વહીવટી તંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. આ ત્રણેય તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા અને સાવધ રહેવા અનુરોધ કર્યો છે.
એસ.એસ.પી. ફ્લડ કંટ્રોલ સેલના શિફ્ટ ઇન્ચાર્જ દ્વારા નિયંત્રણ કક્ષને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સરદાર સરોવર ખાતે પાણીની સપાટી વધીને 133.77 મીટર થઈ હતી. અને બંધનો જળ ભંડાર 80 ટકાથી વધુ ભરાયો છે. આ સપાટીને ચેતવણીની સપાટી ગણવામાં આવે છે. બંધની પૂર્ણ સપાટી 138.68 મીટર છે જ્યારે બંધ 100 ટકા ભરાઈ જાય છે.