ડિપ્લામા એન્જિનિયરિંગમાં 56 ટકા બેઠકો ખાલી, હવે ગ્રેસિંગથી પાસ થયેલાને પ્રવેશ અપાશે
અમદાવાદઃ રાજ્યમાં ધો. 10 બાદ ડિપ્લામાના અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે 56 ટકા બેઠકો ખાલી રહી છે. આ વર્ષે ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તેથી બેઠકો પુરતી ભરાઈ જશે એવું લાગતું હતું પણ મોટાભાગની બેઠકો ખાલી રહી છે. આથી ડિપ્લામા ઈજનેરી કોલેજોના સંચાલકોએ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને એવી રજુઆત કરી હતી કે જે વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા છે તેવા વિદ્યાર્થીઓને પણ ડિપ્લામા પ્રવેશ માટે મંજુરી આપવામાં આવે. આથી શિક્ષણ મંત્રી વાઘાણીએ ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિપ્લોમાં પ્રવેશ અપાશે તેવી જાહેરાત કરી હતી. હજુ 56 ટકા બેઠકો ખાલી છે. હવે અંતિમ રાઉન્ડમાં કેટલી બેઠકો ભરાશે તે પ્રશ્ન છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હતી. આ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ 2 રાઉન્ડ બાદ ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે હવે પૂર્ણ થઈ છે. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતા ડિપ્લામાના અભ્યાસક્રમોમાં 56 ટકા બેઠકો હજુ ખાલી છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે ACPC દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 12 ઓક્ટોબરના રોજ બે રાઉન્ડ પૂર્ણ થતા ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી કોલેજની 20,681 બેઠકોમાંથી 15,333 સીટ ભરાઈ હતી. જ્યારે ખાનગી કોલેજમાં 46,048 માંથી 14,163 સીટ ભરાઈ હતી. સરકારી કોલેજમાં 5348 અને ખાનગી કોલેજમાં 31,885 સીટ ખાલી રહી હતી. બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ પણ શરૂ કરવામાં આવશે.