ગાંધીનગરઃ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ઓવરસ્પીડમાં કારે અડફેટમાં લેતા 9 લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ રાજ્યના ડીજીપીએ એક મહિના સુધી પોલીસને ડ્રીંક એન્ડ ડ્રાઈવ, ઓવરસ્પીડ, સ્ટંટ, ડાર્કફિલ્મ સહિતના કેસ કરવા સૂચના આપી હતી. ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક મહિના સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન ગાંધીનગરમાં સૌથી વધુ કેસ ઓવરસ્પીડના અને પરમિટ વગરના વાહનોના પકડાયા છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસ પાસે એક ઇન્ટરસેપ્ટર વાન છે. જેની મદદથી અલગ અલગ વિસ્તારોમાં ઓવરસ્પીડના કેસો નોંધવામાં આવી રહ્યા છે.
ગાંધીનગરના ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર પોલીસ દ્વારા એક તરફ ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માત અટકાવવા માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ નિયમોના ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા સતત ચેકીંગ અને પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડીજીપીની સૂચનાના પગલે ગાંધીનગર ટ્રાફિક પોલીસે એક મહિનાની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી હતી. આ ડ્રાઈવમાં પોલીસે રેસ લગાવતા, સ્ટંટ કરતા અને દારૂ પીને વાહન ચલાવતા 261 નબીરાઓને પકડી પાડ્યા હતા. આ ડ્રાઈવમાં કુલ 5,272 કેસ કરી ઓન ધ સ્પોટ 15.92 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસે ઓવરસ્પીડના 561 કેસ કરી 21,400 રૂપિયાનો દંડ, ભયજનક ડ્રાઇવિંગ જેમ કે, રેસિંગ અને સ્ટંટ કરતા 12 નબીરાઓને પકડીને 10,700નો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે ડ્રીંક એન્ડ ડ્રાઇવના 42 કેસ કરી 12 વાહનોને જપ્ત કર્યા હતા. તે ઉપરાંત 219 કેસ રોંગ સાઈડથી આવતા વાહનોના નોંધાયા હતા. જેમાં 219 આરોપીઓની અટક કરવામાં આવી હતી અને 23 વાહનો જપ્ત કરાયા હતા. ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવમાં સૌથી વધારે કેસ ઓવરસ્પીડના અને પરમીટ વગરના વાહનના કેસો કરવામાં આવ્યા હતા. 15.92 લાખ રોકડ દંડ વસૂલાયો હતો. બાકીના કેસોમાં ઓનલાઇન દંડ ભરાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરમાં ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઇવ એક મહિના માટે ચલાવવામાં આવી હતી પંરતુ હવે કાયમ પોલીસ દ્વારા સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. ગાંધીનગરમાં ઘણા સ્પોટ એવા છે કે ત્યાં વાહનચાલકો રોંગ સાઇડ આવે છે જેને કારણે અકસ્માત સર્જાય છે. આવા પોઇન્ટ પર સમયાંતરે ડ્રાઇવ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્વર્ણિમ પાર્ક અને અન્ય કેટલાક માર્ગો પર સાંજના સમયે નબીરા બાઇક રેસીંગ અને સ્ટન્ટ કરતા હતા પરંતુ પોલીસે પેટ્રોલિંગ વધારતા આ પ્રવૃત્તિ હાલ બંધ થઇ ગઇ છે. જોકે, પોલીસ પેટ્રોલિંગ ચાલું રાખશે. પોલીસ આગામી સમયમાં પણ પોતાની ડ્રાઇવ ચાલું રાખી આ પ્રકારના કેસ કરતી રહેશે. તેમ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.