અમદાવાદઃ શહેરમાં વેજલપુરમાં રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પુરષોતમ મારકણા દોઢ લાખની લાંચ લેતા પકડાયા બાદ એસીબીના અધિકારીઓએ તુલસીદાસના નિવાસસ્થાને સર્ચ કરતા રૂપિયા 58 લાખની રોકડા અને દારૂની બોટલો મળી આવી હતી.. આ અંગે ACBએ ગુનોં નોંધીને વધુ કાર્યવાહી હાથ ઘરી છે.
વેજલપુરમાંથી સબ રજીસ્ટારને દોઢ લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડયા હતા. જેમાં આરોપીએ દસ્તાવેજ કરી આપવા એક દસ્તાવેજના પાંચ હજાર લેખે કુલ 30 દસ્તાવેજના દોઢ લાખ માગ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ફરિયાદી સોસાયટી માટે દસ્તાવેજ કરવા વેજલપુર સબ રજીસ્ટાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ઓફિસર વર્ગ-3ના સબ રજીસ્ટર તુલસીદાસ પુરષોતમ મારકણાએ કામ કરી આપવા દોઢ લાખની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ ન આપવા માગતા હોવાથી ACBનો સંપર્ક સાધ્યો હતો, જેને પગલે ACBએ છટકુ ગોઠવી રંગેહાથ દોઢ લાખ સાથે સબ રજીસ્ટાર તુલસીદાસને ઝડપી પાડયો હતો. જે બાદ તેની સામે ACBમાં ગુનો નોંધ્યો હતો. આ અંગે ACBના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આરોપીના ઘરે પોલીસે તપાસ કરી હતી. જ્યાં તપાસ દરમિયાન રોકડ 58.28 લાખ અને અલગ-અલગ બ્રાન્ડની કુલ 12 દારૂની બોટલો મળી આવી હતી ત્યારે દારૂની બોટલો મળવા મામલે ACBએ આરોપી સામે વાસણા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધાવ્યો હતો. તો બીજી તરફ આરોપીના ઘરેથી મળી આવેલ લાખોની રોકડ મામલે ACBએ વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે લાંચના કેસમાં કોઈ ભૂલ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે તેનું વીડિયો રેકોર્ડિંગ કરી તમામના નિવેદનો, સાક્ષીઓના પંચનામા અને મુદ્દામાલની પણ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. જેના કારણે બપોરે થયેલી આ રેડની કામગીરી ACBમાં મોડી રાત સુધી ચાલી હતી