નવી દિલ્હીઃ ભારતમાં નેશનલ હાઈવેના કિનારા પર ઇલેક્ટ્રિક વાહન (EV) ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધીને 5293 થઈ ગઈ છે. સરકારે હવે 7 432 નવા EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 5833 હાઈવે પર સ્થાપિત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ માહિતી આપી હતી.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે 7432 ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે ત્રણ સરકારી તેલ વિતરણ કંપનીઓને 800 કરોડ રૂપિયાની મૂડી સહાય આપવામાં આવશે. હાલના 5 હજાર 293 EV ચાર્જિંગ સ્ટેશનોમાંથી 4729 પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ આશરે રૂ. 178 કરોડના ખર્ચે સેટઅપ કરવામાં આવ્યા છે.
ગડકરીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, ઉદ્યોગ મંત્રાલયે 7 432 EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેમાંથી 5 833 EV ચાર્જિંગ સ્ટેશન હાઈવે પર સ્થાપિત કરવામાં આવશે. આ ચાર્જિંગ સ્ટેશન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળની ત્રણ તેલ વિતરણ કંપનીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં સરકારે EV ચાર્જિંગ સ્ટેશનને ઊર્જા પૂરી પાડવા માટે કોઈ પાવર સ્ટેશન બનાવવાની કોઈ યોજના બનાવી નથી.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 750 EV ચાર્જિંગ સ્ટેશન છે. આ પછી ઉત્તર પ્રદેશમાં 577, રાજસ્થાનમાં 482, તમિલનાડુમાં 369, કર્ણાટકમાં 300 અને હરિયાણામાં 284 EV ચાર્જિંગ સ્ટેશન છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS) 2024, જે ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે તેની છેલ્લી તારીખ 31 જુલાઈ નક્કી કરવામાં આવી છે.