અમદાવાદઃ દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું. તેમ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષમાન યોજના સહિત અનેક યોજનાઓ શરુ કરી હતી. જનધન યોજના 2014માં શરુ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આશરે 43 કરોડ જેટલા ખાતા ખુલ્યા છે અને ગુજરાતમાં એક કરોડ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના 2015માં શરુ થઇ અને અત્યાર સુધીમાં આશરે 30 કરોડ જેટલા લોકોને લોન મળી છે અને ગુજરાતમાં 94 લાખ જેટલા લોકોને લોન મળી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં આશરે 8 કરોડ જેટલા લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે અને ગુજરાતમાં 59 લાખ લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 1 કરોડ જેટલા લોકોને આવાસ મળ્યા છે અને ગુજરાતમાં 3 લાખ જેટલા લોકોને આવાસ મળ્યા છે અને શહેરી વિસ્તારમાં આશરે 50 લાખ જેટલા લોકોને અને ગુજરાતમાં 5 લાખ જેટલા લોકોને આવાસ મળ્યા છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી આશરે 2 કરોડ જેટલા લોકોને ફાયદો થયો છે અને ગુજરાતમાં 24 લાખ જેટલા લોકોને તેનો ફાયદો થયો છે.
આ બધી જ યોજના બધા જ નાગરિકો માટે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનો વિકાસ અન્ય રાજ્યથી વધુ થયો છે. સરકારની અનેક યોજનાઓનો લાભ તમામ નાના લોકો સુધી પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, આ મંત્ર સમગ્ર દેશના બધા જ નાગરિકો માટે સમાન છે. આ અગાઉ મંત્રીએ ગુજરાત રાજ્યના સામાજિક કલ્યાણ, દિવ્યંગતા, એસ.સી. તથા ઓ.બી.સી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કેન્દ્રીય યોજનાઓના ગુજરાતમાં અમલ અંગે એક બેઠક યોજી હતી