પૂર્વ પીએમ રાજીવ ગાંધી હત્યા કેસમાં 6 આરોપીઓને મુકત કરાશે
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની અને આરપી રવિચંદ્રન સહિત છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ છ દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ દોષિતોમાં નલિની અને આરપી રવિચંદ્રનનો પણ સમાવેશ થાય છે જેમણે રાજીવ ગાંધીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર, 21 મે 1991ના રોજ તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પૂર્વ પીએમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાની તપાસ બાદ સાત લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. એક દોષિત પેરારીવલનને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
રાજીવ ગાંધી હત્યા કેસમાં નલિની, રવિચંદ્રન, મુરુગન, સંથન, જયકુમાર અને રોબર્ટ પોયસને મુક્ત કરવાનો આદેશ. આ કેસમાં પેરારીવલનને પહેલા જ છોડી દેવામાં આવ્યો છે. 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે પેરારીવલનને જેલમાં તેમના સારા વર્તન માટે મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ એલ નાગેશ્વરની બેન્ચે કલમ 142નો ઉપયોગ કરીને આ આદેશ આપ્યો હતો.