Site icon Revoi.in

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓ ‘ભૂમિ સન્માન’ એવોર્ડથી સન્માનિત

Social Share

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહેસૂલના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ માટે ગુજરાતના 3 આદિજાતિ જિલ્લા સહિત કુલ 6 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિના હસ્તે આજ રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના આ 6 જિલ્લાઓને ‘ભૂમિ સન્માન-પ્લેટિનમ સર્ટિફિકેટ’ એનાયત કરાયા હતા.

વડાપ્રધાનએ સરકારી યોજનાના લાભથી છેવાડાનો કોઈપણ નાગરિક વંચિત ન રહે તે માટે વર્ષ 2022ના બજેટ પછી યોજાયેલા વેબિનાર મારફતે ખાસ તાકીદ કરી હતી. રાષ્ટ્રપતિજી દ્વારા પણ લોકસુખાકારીની સ્કીમથી એક પણ નાગરિક તેનાથી વંચિત ન રહી જાય તેના પર ભાર મૂકવા સૂચન કરવામાં આવ્યું છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ દિશામાં અમલી કાર્યક્રમ ‘ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ’-DILRMP હેઠળ રાજ્યમાં મહેસૂલી સેવાઓને ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. 

કેન્દ્ર સરકારના નિર્ધારિત માપદંડો મુજબ સફળતાપૂર્વક કામગીરી કરવા અંગે તમામ 6 કેટેગરીમાં સૌથી ઉચ્ચ-પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ માટે રાજ્યના 6 જિલ્લા અરવલ્લી, ડાંગ, જામનગર, મહેસાણા, નર્મદા અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકર્ડ ડિજિટાઇઝેશન દ્વારા ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ માટે કરેલા આહવાનને ગુજરાતે ઝીલી લીધું છે.

ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP યોજના અંતર્ગત રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓ ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે, મિલકત સંબંધી લેવડ-દેવડના દસ્તાવેજ નોંધણીની કામગીરી પણ કમ્પ્યૂટરાઈઝ્ડ કરવામાં આવી છે. તેમજ પારદર્શિતા જાળવવાના હેતુથી તમામ રેકોર્ડ અદ્યતન અને ડિજિટાઈઝ્ડ કરી પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાતના છ જિલ્લાઓને DILRMPના બધા જ 6 ઘટકોમાં 99 ટકાથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્લેટિનમ સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દેશ આઝાદી કા અમૃત કાળ તરફ જઈ રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22થી વર્ષ 2025-26 સુધી ડીઆઇએલઆરએમપી યોજના પૂર્ણ કરવા માટે વિશેષ ઝોક આપવામાં આવી રહ્યો છે.