અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યભરમાં મેઘમહેર થઈ રહી છે. દરમિયાન આજે સવારે ચાર કલાકના સમયગાળામાં 45 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દરમિયાન ઉમરગામમાં છ કલાકમાં 6 ઈંચ જોટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 12 ટકા જેટલો વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીને વચ્ચે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ભેસાણ, ગણદેવી, ધોરાજી, કપરાડા, પોરબંદર દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે કુતિયાણામાં સવા ઈંચ, જેતપુરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. ઉમરગામ, માણાવદર, વાપી, ભાણવડ તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભેસાણમાં પોણો ઈંચ, ગણદેવીમાં પોણો ઈંચ, ધોરાજીમાં પોણો ઈંચ, કપરાડામાં પોણો ઈંચ, પોરબંદરમાં પોણો ઈંચ, પારડીમાં પોણો ઈંચ, જાફરાબાદમાં અડધો ઈંચ, મેંદરડામાં અડધો ઈંચ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતના ઉમરગામ અને વાપીમાં ભારે વરસાદને પગલે જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. ઉપરાંત વડોદરા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તરસાલી, માંજલપુર, વારી, રાજમહેલ રોડ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અનેક સ્થળો ઉપર પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. બીજી તરફ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખૂશી ફેલાઈ છે.
રાજ્યમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 12.10 ટકા વરસાદ પડી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 63.32 ટકા વરસાદ થઇ ગયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર 18.48 ટકા અને ઉતર ગુજરાતમાં 20.3 ટકા વરસાદ થયો છે. રાજ્યના 91 તાલુકામાં બે ઈંચ, 79 તાલુકામાં 2થી 8, 59 તાલુકામાં 5થી 10 ઈંચ, 22 તાલુકામાં 10થી 20 ઈંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે.