1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 6નાં મોત, 17ને ઈજા
વડોદરાના નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 6નાં મોત, 17ને ઈજા

વડોદરાના નેશનલ હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં 6નાં મોત, 17ને ઈજા

0
Social Share

વડોદરાઃ ગુજરાતમાં હાઈ-વે પર અકસ્માતનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે વડોદરાના કપૂરાઈ ચોકડી પાસે હાઈવે પર લકઝરી બસ અને ટ્રેલર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા 6 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. જ્યારે 17 પ્રવાસીઓ ઘવાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ  વડોદરા નજીક કપૂરાઈ ચોકડી પાસે હાઈવે પર રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જતી લકઝરી બસ અને ઘઉં ભરેલા ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનાં મોત અને 17 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લકઝરી બસ  રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી હતી એ દરમિયાન વડોદરા નજીક વહેલી સવારે ઘઉં ભરેલા ટ્રેલરને ઓવરટેક કરવા જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ખાનગી બસ વહેલી સવારે ઓવરટેક કરવાની લાયમાં ઘઉં ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને કારણે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.  ગમખ્વાર અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસનાં પતરાં કાપવા પડ્યાં હતાં. બસના ડ્રાયવર સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. લક્ઝરી બસનો ચાલક 12 વર્ષથી ડ્રાઇવિંગના વ્યવસાય કરતો હતો. લક્ઝરી બસના ચાલકનું નામ કિશન કીડીયાજી લબાના (રહે. ગામ ટાન્ડામંગલા, જિ. બાસવાડા, રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે આ અકસ્માતમાં ગંભીરરીતે ઘવાયેલા બસના હેલ્પર બાબુલાલે કહ્યું હતું કે, હું છેલ્લા છ-સાત મહિનાથી આ બસમાં હેલ્પર તરીકે કામ કરું છું. અકસ્માત થયો ત્યારે હું ઉંઘતો હતો. મને પગ અને પીઠના ભાગે ઇજા થઇ છે. અકસ્માત બાદ હું બસની બારીમાંથી બહાર નિકળ્યો હતો અને મેં 108 એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code