Site icon Revoi.in

દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોચી વળવા ગિરનાર રોપવેમાં વધુ 6 કેબીન લગાવાશે

Social Share

જુનાગઢઃ ગરવા ગિરનાર પર જવા માટે બનાવેલા રોપ-વેને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમાં રજાના દિવસોમાં તો પ્રવાસીઓની એટલી બધી ભીડ જોવા મળે છે. કે, પ્રવાસીઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. દિવાળીના કહેવારોમાં પ્રવાસીઓ અને શ્રધ્ધાળુઓના ભારે ધસારો રહેશે. તેને પહોચી વળવા માટે રોપવેમાં વધુ 6 કેબીનો (બોગી) લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીની તહેવારોની સિઝનને ધ્યાને રાખીને  તા.10 થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રોપવે સિસ્ટમની મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને રોપવેની વહન ક્ષમતામાં વધારો કર્યો છે. આયોજન મુજબ રોપવે આજે તા.16 ઓક્ટોબરથી કાર્યરત થઈ જશે.રોપવેના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ દિપક કપલીશે, જણાવ્યું હતું કે  અમે 6 કેબિનનો ઉમેરો કરીને રોપવે સિસ્ટમમાં કેબિનની કુલ સંખ્યા 31 કરી છે. આના પરિણામે રોપવેની વહન ક્ષમતા દર કલાકે 800 થી વધીને 1000 થઈ છે. વધારેલી 25 ટકા ક્ષમતાના કારણે દિવાળીના તહેવારોમાં પ્રતિક્ષાનો સમય ઓછો થશે. રોપવેના અપર સ્ટેશનની નજીક બેઠક ક્ષમતામાં વધારો કર્યો છે, જેના કારણે શ્રધ્ધાળુઓ ડ્યૂઈંગ પોઈન્ટથી આસપાસના કુદરતી સૌંદર્યની મજા સરળતાથી માણી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.24 ઓક્ટોબર, 2020ના રોજ ગિરનાર રોપવેનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને દિવાળીના તહેવારોમાં બરાબર બે વર્ષ પૂરાં થયા છે. અગાઉ ગિરનાર ચઢવા માટે 6 થી 7 કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર 7 થી 8 મિનિટ જ લાગે છે. આ સુવિધાને કારણે શ્રધ્ધાળુઓ ઝડપથી અને સુગમ રીતે ગિરનાર પર જઈ શકે છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ ગિરનારો રોપવે સર્વિસનો લાભ લીધો છે. રોપવે સર્વિસ સવારના 7 થી સાંજના 5 સુધી કાર્યરત રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન 15 દિવસમાં આશરે 90 હજાર લોકોએ ગિરનાર રોપવેનો લાભ લીધો હતો. કોવિડ- મહામારીની સ્થિતિ વિતી જવાને કારણે શ્રધ્ધાળુઓ અને પ્રવાસીઓની સંખ્યામાં હવે વધારો થશે. રોપવેનો ઉપયોગ કરનારની સંખ્યા આ વર્ષે 1 લાખનો આંક વટાવી જાય તેવી અપેક્ષા છે.