Site icon Revoi.in

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી વર્ષ દરમિયાન વધુ 6 ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરાઈ

Social Share

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે વિમાનોની આવન-જાવન વધતા એર ટ્રાફિકમાં પણ ખાસ્સો વધારો થયો છે. જેમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી વિમાનોનું આવાગમન વધી રહ્યું છે. દરેક ફ્લાઈટ્સને ફુલ ટ્રાફિક મળી રહ્યો છે. ત્યારે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા વર્ષ દરમિયાન અમદાવાદથી વિવિધ 6 ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં વેપાર-ધંધા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ પૂર્વીય દેશો સાથે કનેક્ટિવિટી વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. થાઇલૅન્ડ, સિંગાપુર અને મલેશિયા જેવા દેશમાં પ્રવાસન વધારવાના હેતુથી અમદાવાદથી સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જેમાં અગાઉ જે ફ્લાઇટ સપ્તાહમાં 3-4 હોય તેને વધારીને દરરોજની ફ્લાઇટ કરી દેવામાં આવી છે. અમદાવાદની અન્ય દેશ સાથે સીધી કનેક્ટ કરતી છ ફ્લાઇટમાં વિયેત જેટ એરની વિયેતનામાના બે ડેસ્ટિનેશન માટે સપ્તાહ દરમિયાન સાત ફ્લાઇટ એટલે કે દરરોજની અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ સિંગાપુર એરલાઇન્સની સપ્તાહ દરમિયાન અમદાવાદથી સિંગાપુરની સીધી ચાર ફ્લાઇટ હતી જે વધારીને હવે સાત ફ્લાઇટ કરવામાં આવી છે. ફ્લાઇ બગદાદ એરલાઇન્સની અમદાવાદથી બગદાદના નજાફ શહેર સુધી અઠવાડિયામાં ત્રણ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે.

સૂત્રોના કહેવા મુજબ  વિદેશ પ્રવાસ માટે થાઈલેડ અને મલેશિયા ફરવા માટે લોકોની પહેલી પસંદગી બની રહ્યા છે. અગાઉ જો કોઈ મુસાફરને થાઈલેન્ડના બેંગકોક શહેર સુધી જવું હોય તો બે ફ્લાઇટ બદલીને પહોચી શકાતું હતું. જેને બદલે હવે અમદાવાદથી સીધી જ થાઈલેન્ડના બેંગકોક સુધી થાઇ એરવેઝની ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત થાઈ એર એશિયા દ્વારા અમદાવાદથી થાઈલેન્ડની એક અઠવાડિયામાં બે ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત મલેશિયન એરલાઈન્સ દ્વારા અમદાવાદથી કુઆલાલંપુર સુધી સપ્તાહની ચાર સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. કુઆલાલંપુરથી 1 ડિસેમ્બરે MH106થી ઉપડેલી પ્રથમ ફ્લાઇટનું અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (AMD) ખાતે સ્થાનિક સમય મુજબ રાત્રે 9:40 વાગ્યે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ MH107 મારફત સ્થાનિક સમય અનુસાર રાત્રે 10:40 વાગ્યે કુઆલાલંપુર પરત ફરી હતી. આ ઉપરાંત મલેશિયન એરલાઇન્સે ભારતથી મલેશિયા જતા પ્રવાસીઓ માટે 30 દિવસ માટે વિઝા ફ્રી કર્યા છે.મલેશિયન એરલાઇન્સની અમદાવાદથી કુઆલાલંપુર સુધીની ફલાઈટ શરૂ થવાની સાથે જ આગામી 3 મહિના માટે 80 ટકા જેટલી ફ્લાઇટ્સનું અગાઉથી જ બૂકિંગ થઈ ગયું છે.