Site icon Revoi.in

ભચાઉના લાકડિયા ગામે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત 6ના મોત

Social Share

ભૂજઃ  કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ભચાઉના લાકડિયા નજીક સર્જાયો હતો. ભચાઉ તાલુકાના લાકડીયા નજીક ટ્રક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા એક જ પરિવારનો પાંચ વ્યકિતઓ અને કાર ચાલકના ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યા હતા. મૃતક પરિવાર ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના  પટેલ સમાજના હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. આ વેળાએ ગઈકાલે બપોરે આ ગમખ્વાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના  પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ઈકો કાર ભાડે કરી રાપરના મોરાગઢ ખાતે મોમાય માતાજીનાં દર્શને ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ટ્રેલર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક જ પરિવારના પાંચ અને કારના ચાલક સહિત 6ના મોત નિપજ્યા હતા.

અકસ્માતના બનાવની જાણ થતાં રાજકોટનું દેરડી કુંભાજી ગામ હિબકે ચડ્યું હતુ. દેરડી કુંભાજી રહેતા ખાતરા પરિવારના ચાર- ચાર સભ્યોની અર્થી એકસાથે ઉઠી છે. સમગ્ર દેરડી કુંભાજી ગામ શોક મગ્ન થયું હતુ, સમગ્ર ગ્રામજનોએ કામ ધંધા બંધ પાડીને શોક વ્યક્ત કર્યો હતો. અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશભાઈ દેવશીભાઈ ખાતરા તેમના પત્ની ભાવનાબેન ભાવેશભાઈ ખાતરા, પુત્ર રૂદ્ર ભાવેશભાઈ ખાતરા, તેમજ ભાવેશભાઈના બહેન સોનલબેન અમિતભાઇ ગોરસિયા રહે. રાજકોટ, ફોઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા રહે. બગસરા સહિતના એક જ પરિવારના પાંચ લોકોના તથા દેરડી કુંભાજી ગામના ઈકો કાર ચાલક બહાદૂરભાઈ કાળુભાઇ સહિતના કુલ છ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા.જ્યારે અકસ્માતની આ ઘટનામાં વૈદ ભાવેશભાઈ ખાતરા, વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગોરસિયા સહિતના ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી.