અમદાવાદઃ મધ્યપ્રદેશમાંથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. મધ્ય પ્રદેશથી ગુજરાત વચ્ચે ચાલતી ખાનગી લકઝરી બસના ડ્રાઈવર દ્વારા પિસ્તોલ, કારતૂસની હેરાફેરી થતી હતી. ગુજરાત એટીએસએ 29 પિસ્તોલ અને 90 કારતૂસ કબજે કરીને 6 શખસોની ધરપકડ કરી છે. ગુજરાતમાં હથિયારો કોને વેચવામાં આવ્યા છે. કેટલા સમયથી હથિયારો વેચવાનું રેકેટ ચાલતું હતું. તેની માહિતી મેળવવા આરોપીઓને રિમાન્ડ પર લેવાશે.
મધ્યપ્રદેશથી હથિયારો લાવીને ગુજરાતમાં વેચવાના કૌભાંડનો એટીએસએ પડદાફાશ કર્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર આસપાસ કેટલાક લોકો ગેરકાયદેસર હથિયાર રાખતા હોવાની એટીએસને બાતમી મળી હતી. હથિયારોની હેરાફેરી રોકવા માટે એટીએસના અધિકારીઓ દ્વારા મધ્ય પ્રદેશથી ગુજરાત આવતી બસો ઉપર વોચ રાખવામાં આવી હતી. દરમિયાન મધ્યપ્રદેશથી ગુજરાત સૌરાષ્ટ્ર જતી ખાનગી લકઝરી બસમાં ચેકિંગ કરતા બસના ચાલક શિવમ ઉર્ફે શિવા ઈન્દ્રસિંગ ડામોરને 5 પિસ્તોલ અને 20 કારતૂસ સાથે દબોચી લીધો હતો. પોલીસે આરોપી શિવાની પૂછપરછ કરતા તેણે કહ્યુ હતું કે, તે બીજા ત્રીજા દિવસે ખંભાળિયાથી મધ્યપ્રદેશ બસ લઈને અવર-જવર કરે છે. અગાઉ આવી રીતે એક-બે, એક-બે કરીને હથિયારો કેટલાક લોકોને આપ્યા છે. તેને અલગ-અલગ જિલ્લાના કેટલાક લોકો સાથે સંપર્ક હોવાનું પણ જણાવ્યું હતું.
પોલીસે વધુ પૂછતાછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે, તેણે અલગ-અલગ લોકોને જે હથિયારો આપ્યા છે, તે હથિયારો પણ તે મધ્યપ્રદેશથી લાવ્યો હતો. જેથી પોલીસે તેની તપાસ કરતા અન્ય આરોપીઓ પણ મળી આવ્યાં હતાં. તેમની પાસેથી 20 પિસ્તોલ અને અન્ય કારતૂસો મળી આવતા હાલ ગુજરાતી એટીએસએ 25 પિસ્તોલ અને 90 રાઉન્ડ કારતૂસ મળી આવ્યા હતા. આમ કૂલ 29 પિસ્તોલ અને 90 કારતૂસ પોલીસે કબજે કરીને 6 શખસોની ધરપકડ કરી છે. અને હથિયારો કોને વેચવામાં આવ્યા છે. તેની માહિતી મેળવવા માટે આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવશે.