અમદાવાદમાં વૃદ્ધાને ઢસડીને લઈ જવાના કેસમાં 6 પોલીસકર્મી સસ્પેન્ડ, PI સામે ખાતાકીય તપાસ
અમદાવાદઃ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીઓએ ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધાને ઘરમાંથી ઢસડી લઇ ગયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા હતા. આ મામલે વૃદ્ધે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ સમગ્ર બાબત સામે આવતાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા, જેને પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કવોડમાં ફરજ બજાવતાં 6 પોલીસકર્મીને ડીસીપી ઝોન 2 વિજય પટેલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને પીઆઇ કે.વી. પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ કરાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વૃદ્ધ દંપતીને ઘરેથી ઘસેડીને પોલીસ સ્ટેશન લઈ જવાનો મુદ્દે 6 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. આ કેસમાં બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરાઈ છે. આ મામલે ઝોન 2 ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.વી. પટેલ સામે ખાતાકીય તપાસના આદેશ માટે પોલીસ કમિશનરને જાણ કરી છે અને ડી સ્ટાફના 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, શહેરના ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ-ઈન્સ્પેક્ટર કે.વી. પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે અને કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદા મુજબ પગલાં લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે આઈબીના પોલીસ-ઈન્સ્પેક્ટરે હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ફરિયાદ કરી હતી, જેમાં તેમના પુત્ર પર આક્ષેપ કર્યો છે કે તેણે આઈબીના પીઆઈ પાસેથી બહુ મોટી રકમ ઉછીની લીધી છે, જે તે પરત આપતો નથી. આ કેસમાં પોલીસે અરજદાર બીમાર વૃદ્ધ મહિલાને ઘરમાંથી ઢસડીને અને તેમના વૃદ્ધ પતિને ખાટલા સાથે ઘરની બહાર કાઢ્યા હતા અને માર્યા હતા.તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હેરાન કર્યા હતા.