Site icon Revoi.in

ગાંધીનગરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને અંકૂશમાં લેવા પોલીસને 6 સ્પીડગન ફાળવાઈ

Social Share

ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ અકસ્માતોના બનાવોમાં ઓવર સ્પિડિંગ કારણભૂત હોય છે. શહેરના રસ્તાઓ પર સ્પિડ લિમિટ નક્કી કરવામાં આવેલી છે. છતાંયે વાહનચાલકો પૂરફાટ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે આવા વાહનચાલકોને ટ્રાફિકના કાયદા મુજબ પાઠ ભણાવવા માટે પોલીસને 6 સ્પીડગન ફાળવવામાં આવી છે. અને હવે ટ્રાફિક પોલીસ દ્વારા પૂરફાટ ઝડપે દોડતા વાહનચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

ગાંધીનગર શહેરનો વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરતી જાય છે. શહેરમાં ખુલ્લા રોડ હોવાથી વાહન ચાલકો બેફામ બની વાહનો હંકારતા અકસ્માતનુ પ્રમાણ પણ વધી રહ્યુ છે. ત્યારે અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 6 મુવેબલ સ્પીડગન આપવામાં આવી છે. જેમાં ત્રણ ગન ટ્રાફિક પોલીસ રાખશે, જ્યારે 3 સર્વે કર્યા પછી સ્થાનિક પોલીસને આપવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં એક સમય માટે રસ્તાઓ ખુલ્લા જોવા મળતા હતા. કારની સંખ્યા ખૂબ જ ઓછી હતી. આ સ્થિતિમાં અકસ્માત પણ ક્યાંક જ જોવા મળતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે, અને શહેરનો વિકાસ વીજળી વેગે થઇ રહ્યો છે. ત્યારે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. વાહન ચાલકો બેફામ વાહન હંકારીને અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે વાહન ચાલકોની સ્પિડ ઉપર લગામ લગાવવા માટે જિલ્લા પોલીસમાં વધુ 6 સ્પિડગન વસાવવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઇનોવા કારમાં લગાવેલી સ્પિડગનથી મેમો આપવામાં આવતો હતો. પરંતુ હવે હેન્ડમેડ સ્પિડનગથી પણ મેમો આપવામાં આવશે. સ્પિડગનને અલગ અલગ સમયે અલગ અલગ જગ્યાએ લઇ જઇને ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત જિલ્લામાં વધુ અકસ્માત વાળા વિસ્તારનો સર્વે કરીને એક એક સ્પિડગન ફાળવવામાં આવશે. જેથી ટ્રાફિક પોલીસની સાથે સ્થાનિક પોલીસ પણ સ્પિડગનનો ઉપયોગ કરશે અને સ્પિડમાં ચાલતા વાહન ચાલકો ઉપર લગામ લગાવશે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસની ઇન્ટરસેપ્ટર કારમાં લગાવેલી સ્પીડગનથી ઓવરસ્પીડના મેમો આપવામાં આવતા હતા. કાર અલગ અલગ જગ્યાએ ઉભી રાખીને કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ હવે વધુ 3 મુવેબલ સ્પિડગન લાવવામાં આવી છે. ટ્રાફિક પોલીસ હવે અલગ અલગ જગ્યાએ સ્પિડગન રોડ સાઇડમાં ઉભી કરીને ઓવરસ્પિડના મેમો આપશે.