અમદાવાદ: ગુજરાતમાં રવિવારના દિવસે ડુબી જવાના અલગ અલગ ત્રણ બનાવોમાં 6 યુવાનો ડુબી ગયા હતા. જેમાં તરવૈયા દ્વારા શોધખોળ દરમિયાન સાંજ સુધીમાં ચાર યુવાનોના મતદેહ મળ્યા હતા. આ બનાવમાં જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો ડૂબ્યા હતા,તેમજ રાજકોટના ઉપલેટામાં માછીમારી કરતાં એક યુવક ડૂબી ગયો હતો. ખેડામાં ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નહાવા પડેલા નદીમાં ત્રણ યુવકો ડુબી ગયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, જૂનાગઢના ચોરવાડમાં 2 યુવાનો તળાવમાં કમળના ફૂલ તોડવા જતાં ડૂબી ગયા હતા. બન્ને યુવાનો તળાવના કાદવમાં ફસાઈ જતા ડૂબી ગયા હતા. બંને યુવકોને બહાર કાઢી ચોરવાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચોરવાડ સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોકટર દ્વારા બંને યુવાનને મૃત જાહેર કર્યા હતા. બંને યુવકના મૃત્યુને લઈને ચોરવાડ શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડૂબી જવાના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ખેડાના ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. નડિયાદથી સાત વ્યક્તિઓ ગળતેશ્વર નાહવા માટે ગયા હતા. મહિસાગર નદીમાં નાહવા પડતા ત્રમ યુવાનો ડૂબી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના જાણ થતા જ ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી એ તાત્કાલિક નડિયાદથી ફાયર બ્રિગેડની ટીમ રવાના કરી હતી. સ્થાનિક તરવૈયાની ટીમ દ્વારા એક વ્યક્તિના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હજુ પણ બે વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે. ઠાસરા તાલુકા અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે. મનીષભાઈ ભીખાભાઈ સોલંકી, પ્રકાશ સોલંકી, જૈમિન સોલંકી નામના યુવાનો મહીસાગર નદીમાં ડૂબ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ડૂબી જવાનો ત્રીજો બનાવ રાજકોટના ઉપલેટામાં બન્યો હતો. જ્યાં ઉપલેટાના ગણોદ ગામે ભાદર નદીમાં ડૂબતાં યુવકનું મોત થયું છે. 38 વર્ષીય યુવક ભાદર નદીમાં માછીમારી કરી રહ્યો હતો. માછીમારી કરતા અચાનક નદીમાં પડી જતાં યુવકનું મોત થયું છે. મૃતકનો મૃતદેહ ઉપલેટા હોસ્પિટલમાં ખસેડાયો હતો.