ભારતમાં દીપડાની વસતીમાં 60 ટકાનો વધારો, 12 હજારથી વધારે દીપડા
દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર દીપડાના હુમલાની ઘટના સામે આવે છે. આ ઉપરાંત ભારતના મોટાભાગના રાજ્યોમાં દીપડા જોવા મળે છે. દરમિયાન દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. દેશમાં 12 હજારથી વધારે દીપડા હોવાનું જાણવા મળે છે.
દેશમાં વર્ષ 2018માં દીપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર સિંહ અને વાઘની જેમ દીપડાની સંખ્યામાં પણ વધારો થયો છે. વર્ષ 2014માં 8000 દીપડાની વસતી હતી. જેમાં વર્ષ 2018માં 60 ટકાનો વધારો થયો છે. દેશમાં 12852 જેટલા દીપડા છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 3421 દીપડા છે. જ્યારે કર્ણાટકમાં 1783, મહારાષ્ટ્રમાં 1690 દીપડા છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિસા, છત્તીસગઠ, ઝારખંડ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 8071 દીપડા છે. જ્યારે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગોવામાં 3387 દીપડા નોંધાયાં હતા. જ્યારે ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ તથા બિહારમાં 1253 જેટલા દીપડા છે. આવી જ રીતે પૂર્વોતરમાં 141 દીપડાની હાજરી જોવા મળી હતી.
રીપોર્ટ અનુસાર દિપડાના વસવાટ વિસ્તારમાં આફ્રિકામાં 48થી 67 ટકા તથા એશિયામાં 83થી 87 ટકાનો કાપ આવ્યો છે. ભારતમાં શિકાર, આંતરયુદ્ધ જેવા ઘટનાક્રમથી દિપડાની વસતીને ખતરો છે.