Site icon Revoi.in

રાજકોટમાં સેન્ટ્રલ જેલના પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં 60 ટકાનો કરાયો વધારો

Social Share

રાજકોટઃ ગુજરાત સરકારનાં ગૃહવિભાગના નિર્દેશ બાદ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે બિનકુશળને અગાઉના 70 સામે 110,  તથા અર્ધકુશળને અગાઉના 80 સામે 140 અને કુશળ કેદીને અગાઉના 100નાં બદલે 170 નું દૈનિક મહેનતાણુ ચૂકવાશે. સરકારના આ નિર્ણયથી પાકા કામના કેદીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

રાજકોટ જેલ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને જેલમાં કરવામાં આવતી વિવિધ કામગીરીને પગલે રાજ્ય સરકાર તરફથી દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. કેદીઓને ચુકવવામાં આવતું દૈનિક વેતન અપુરતુ હોવાની રાજ્યના ગૃહ વિભાગને રજુઆતો મળી હતી. જેલવાસ ભોગવતા પાકાકામના બિનકુશળ કેદીને 70, અર્ધકુશળ કેદીને 80 અને કુશળ કેદીને 100નું વેતન મળતું હતું. આ વેતનમાં વધારો કરવા માટે જેલોના વડા દ્વારા પણ સરકારને વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ગૃહ વિભાગે કેદીઓના દૈનિક વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કેદીઓના આર્થિક વિકાસ માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેદીઓ જેલની અંદર કે બહાર જેલની વસ્તુઓના વેચાણના સ્થળો પર કામ કરી ભથ્થું મેળવી શકે છે. આ રીતે કેદી જેલમાંથી છૂટે ત્યારે તેઓના હાથ પર થોડી રકમ હોવાથી પોતાના ધંધા-રોજગારની શરૂઆત પહેલા પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે અને કોઈ નવો ધંધો પણ શરૂ કરી શકે છે. આ હેતુથી સરકાર દ્વારા કામ કરતા કેદીઓને વેતન ચૂકવવામાં આવે છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  લઘુમત વેતનના માપદંડોથી કરતા કેદીઓનું વેતન ઘણું ઓછું છે. રાજ્ય સરકારના લઘુમત વેતનના માપદંડ મુજબ બિન કુશળ કામદારનું વેતન 450 નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે જેલમાં કામ કરતા પાકા કામના કેદીઓના દૈનિક વેતનમાં વધારો થવા છતાં તેનું વેતન રાજ્ય સરકારના લઘુમત વેતનના માપદંડ પ્રમાણે નથી. કેદીઓ શ્રમિકો જેટલું દિવસભર કામ કરે તો તેમને લધુમત્તમ વેતન મળવું જોઈએ એવી લાગણી પણ ઊભી થઈ છે.