ધોરણ 1માં પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો, ઉંમરમાં છૂટછાટ આપો, શાળાસંચાલકો
અમદાવાદઃ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવમાં ભૂલકાઓને ધોરણ-1માં પ્રવેશ રંગેચંગે અપાયો હતો. આ વર્ષે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં જે બાળકના 6 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવે છે. તેના લીધે આ વર્ષે પ્રવેશ લેનારા બાળકોની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે. શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે 31 મે, સુધી બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થવી જરૂરી છે. આ નિર્ણયના કારણે સામાન્ય વર્ષ કરતા સ્કૂલોમાં ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યા આ વર્ષે 60 ટકા ઘટી છે. જેથી શાળા સંચાલક મંડળે બાળકોની ઉંમરમાં છૂટછાટ આપવા માગ કરી છે. 31 મેની જગ્યાએ 14 જૂન કરવાની માંગણી કરી છે.
શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજુઆત કરી છે કે, કોરોના કાળમાં 2020-21 અને 2021-22માં રાજ્યની સ્કૂલોના જુનિયર, સિનિયર કે નર્સરીના વર્ગ ચાલ્યા નથી. કેટલાક વાલી હજૂ પોતાના બાળકને જુનિયર કે.જી.માં અભ્યાસ કરાવવા ઈચ્છે છે. જૂન 2023માં ધોરણ 1માં પ્રવેશ માટેની ઉંમર 6 વર્ષ કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યની સ્કૂલોમાં ધોરણ 1માં 60 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી થઈ છે. એટલે સ્કૂલોમાં આંગળીના વેઢે ગણાય તેવી વિદ્યાર્થીઓની સંખ્યા છે. અગાઉ 31 ઓગસ્ટ ધોરણ 1માં પ્રવેશ માટેની કટઓફ તારીખ રાખવામાં આવી હતી, જેમાં 14 દિવસનું ગ્રેસિંગ હતું. જેની 14 સપ્ટેમ્બર સુધી મુદત આપવામાં આવી હતી. જેથી અત્યારે 31 મે બાદ 14 જૂન સુધીનો ગ્રેસનો સમય આપવામાં આવે તો 1 જૂનથી 14 જૂન સુધી જન્મેલા બાળકોને મહત્તમ બાળકોને ચાલુ વર્ષમાં પ્રવેશ આપી શકાશે.
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, નવો નિયમ લાગુ થતા સ્કૂલોમાં ધોરણ 1માં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જો 31 મેની જગ્યાએ 14 દિવસનો સમય વધારે આપવામાં આવે તો બાળકોને ફાયદો થશે. વધુ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે તો સ્કૂલમાં આગામી વર્ષમાં પણ સંખ્યા વધશે, નહીં તો આગામી વર્ષમાં પણ સંખ્યા ઘટતી જશે.