નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં 13 સ્થાનિક અને 47 વિદેશી આતંકવાદીઓ હતા. પીર પંજાલની ગુફાઓ સહિત જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં 36 સ્થાનિક અને 71 વિદેશી એટલે કે પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ છુપાયાનું જાણવા મળે છે. ભારતીય સુરક્ષા દળોએ દાવો કર્યો છે કે, તાજેતરમાં એવી કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી જેમાં પાકિસ્તાનના આતંકવાદીઓ સરહદ પાર કરી ગયા હોય. આવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ સુરક્ષા દળોએ તેમની કાર્યવાહી દ્વારા તેને નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં 60 આતંકવાદીઓ માર્યા ગયા છે. 12 ઓક્ટોબરથી 26 ઓક્ટોબરની વચ્ચે ત્રણ આતંકવાદીઓ/સુત્રધારકો ઝડપાયા હતા. ગયા વર્ષે 137 આતંકવાદીઓ સક્રિય હતા. જેમાં 55 સ્થાનિક અને 82 વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કુલ 107 આતંકીઓ સક્રિય હોવાનું કહેવાય છે. જેમાંથી 36 સ્થાનિક આતંકવાદીઓ છે, જ્યારે વિદેશી આતંકવાદીઓની સંખ્યા 71 છે. 2022માં 187 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સ્થાનિક આતંકવાદીઓની સંખ્યા 130 હતી, જ્યારે વિદેશી આતંકવાદીઓની સંખ્યા 57 હતી. જમ્મુ-કાશ્મીરમાં 2021માં 180, 2020માં 221, 2019માં 157 અને 2018માં 257 આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ દાવો કર્યો છે કે, તાજેતરમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. બોર્ડર પર કડક સતર્કતા રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તે આતંકવાદીઓ ક્યાંથી અને કેવી રીતે ઘૂસ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના આતંકવાદીઓ નેપાળ થઈને ભારતમાં ઘૂસ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.