વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ઠેર ઠેર ટોલનાકાને કારણે ટ્રાન્સપોર્ટરો પરેશાન છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે જ એટલા બધી ટોલનાકા છે. કે, એક ટ્રક અમદાવાદથી મુંબઈ જઈને પરત ફરે એટલે 6000 રૂપિયાનો ટોલ વસુલવામાં આવે છે. આ ઉપરાંત વધતા જતાં ડીઝલના ભાવ, વગેરેને કારણે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ખર્ચ અને જોખમ સામે એટલું વળતર મળતુ નથી. ટોલ ટેક્સ અને ઈન્સ્યોરન્સ પ્રિમિયમના ભાવમાં ઘટાડો થાય તો જ અત્યારે બે આંકડામાં રહેલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સિંગલ ડિજિટમાં આવી શકે તેમ છે તેવુ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટેશન એસોસિએશનના કાર્યકારી પ્રમુખ મુકેશભાઈ દવેએ કહ્યુ હતુ.
વડોદરામાં ઓલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિસેશનની કારોબારી બેઠક મળી હતી. આ બેઠક બાદ એસોસિસેશનના ગુજરાતના પ્રમુખ વાસણભાઈ આહિરે કહ્યુ હતુ કે, કારોબારીમાં ઈ-વે બિલ, ઈન્સ્યોરન્સ, ટોલ ટેક્સ અને આરટીઓના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને તે અંગે સરકારના સબંધિત વિભાગો સમક્ષ આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે.
ઓલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિસેશનની કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓએ ટ્રાન્સપોર્ટને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી. જે અંગે AGTTAના વાસણ આહિરે ટ્રાન્સપોર્ટરોના પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તે સાથે તેમને સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટના ઉદ્યોગ માટે કરવામાં આવેલી કામગીરી અંગે માહિતગાર કર્યા હતા. તેમણે કહ્યું કે, હવે રોજ 3000 કિલો મીટરના રસ્તાઓ બની રહ્યા છે. જેના કારણે ટ્રાન્સપોર્ટના ઉદ્યોગમાં ગતિ આવી છે. પહેલાં ટ્રકો લેવા માટે ટ્રાન્સપોર્ટરોને ભારે તકલીફ પડતી હતી. હવે બેંકો એક સાથે જોઇએ તેટલી ટ્રકો માટે લોન આપી રહી છે. કેટલાંક પ્રશ્નો છે તે સરકાર દ્વારા ઉકેલવામાં આવશે તેવો અમને વિશ્વાસ છે.
ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિસેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતુ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ડિજિટ જ નહીં પણ ટોલ ટેક્સ અને ઈન્સ્યોરન્સ બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે એક ટ્રક સરેરાશ રૂપિયા 6,000 આવવા-જવા માટે ટોલ ટેક્સ ચૂકવે છે અને અમે આ ટેક્સ ઘટાડીને 40 ટકા કરવાની માંગણી કરી છે. આ મુદ્દે અમે હાઈકોર્ટમાં પણ રિટ કરી છે. સરકારે હજુ સુધી આ માંગણી સ્વીકારી નથી. આગામી માસમાં તેની હાઈકોર્ટમાં મુદત પણ છે.
તેમણે ઉમેર્યું હતું કે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પણ મોંઘો કરી દેવાયો હોવાથી પ્રિમિયમની રકમમાં પણ છેલ્લા 6 વર્ષમાં 700 ટકાનો વધારો થયો છે. ટ્રક દીઠ દર વર્ષે હવે 28,000 રૂપિયાથી માંડી 40,000 રૂપિયા સુધીનુ પ્રીમિયમ ચૂકવવું પડે છે. અત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 12 ટકા છે અને સરકાર તેને 9 ટકા સુધી કરવા માંગે છે. પણ ટોલ ટેક્સની રકમ અને ઇન્સ્યોરન્સની રકમમાં ઘટાડો વગર કોસ્ટ ઘટાડવી બહુ મુશ્કેલ છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં માત્ર ડિઝલ જ નહીં પણ ટોલ ટેક્સ અને ઈન્સ્યોરન્સ બહુ મોટો ભજવી રહ્યા છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે એક ટ્રક સરેરાશ 6000 રુપિયા આવવા જવા માટે ટોલ ટેક્સ ચૂકવે છે અને અમે આ ટેક્સ ઘટાડીને 40 ટકા કરવાની માંગણી કરી છે.