અમદાવાદઃ ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં તોતિંગ વધારા બાદ છેલ્લા એક વર્ષથી ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે. ઈલેક્ટ્રિક વાહનો કિંમતમાં મોંઘા પડે છે, પણ તેના સંચાલનમાં નજીવો ખર્ચ આવતો હોવાથી લોકો ઈલેકટ્રિક વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 60,000 ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે.
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે વર્ષ 2022માં ઈવી (ઈલેક્ટ્રિક વ્હીકલ) ના વેચાણમાં સાતગણો વધારો નોંધાયો હતો. જો કે તે પેટ્રોલથી ચાલતા વાહનોના વેચાણની સરખામણીમાં ઓછો હતો. 2021માં 9,776 યુનિટની સરખામણીમાં 2022માં 68,999 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. ઈવી વાહનોની પોપ્યુલારિટી સીએનજી વાહનોને વટી ગઈ છે, જેના 2022માં માત્ર 50,007 યુનિટ વેચાયા હતા. રાજ્યમાં વધુને વધુ ચાર્જિંગ સ્ટેશન સેટ અપ કરવામાં આવી રહ્યા છે તેમ ઈલેક્ટ્રિક વાહનો તરફ વળતા ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત દેશના તેવા 18 રાજ્યોમાં સામેલ છે, જેણે ઈલેક્ટ્રિક મોબિલિટી તરફ ટ્રાન્સપોર્ટ સેક્ટરને આગળ વધારવા માટે ઈવી પોલીસીને અંતિમ સ્વરૂપ આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઓક્ટોબર 2021માં ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ શરૂ થયું હતું અને ગત વર્ષે ટ્રેન્ડમાં વધારો થયો હતો. આ મહિનાના પહેલા 10 દિવસમાં રાજ્યમાં 2,168 EVનું વેચાણ નોંધાયું હતું, જેમાં ટુ-વ્હીલરનો હિસ્સો 60 ટકા છે. પેટ્રોલ વાહનની કેટેગરીમાં, ટુ-વ્હીલરનું વેચાણ 67 ટકા જ્યારે ફોર-વ્હીલરનું 33 ટકા હતું. આરટીઓના એક અધિકારીના કહેવા મુજબ, 2021ની સરખામણીમાં ગયા વર્ષે CNG વાહનોમાં 58 ટકા વધારો નોંધાયો હતો, પરંતુ આ જ સમયગાળામાં રાજ્યમાં EVના વેચાણમાં 606% વૃદ્ધિ જોવા મળી હતી. આ દેશમાં ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણની 211% વૃદ્ધિ કરતાં પણ વધુ છે. ગ્રાહકો તરફથી મળતો પોઝિટિવ રિસ્પોન્સ સરકારની પોલિસી દ્વારા થઈ રહેલા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકોસિસ્ટમને પણ પ્રતિબિંબિત કરે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કુલ 68,999 યુનિટની સામે 45,764 એકમોનું વેચાણ થયું હતું. સુરતમાં 21,872 યુનિટ અને ત્યારબાદ અમદાવાદમાં 13,251 યુનિટનું વેચાણ થયું હતું. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પણ ઈવી ઈકોસિસ્ટમને બનાવવામાં મદદ કરી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સાથે-સાથે ઈલેક્ટ્રિક વાહનો ખર્ચ ઘટાડે છે. રાજ્યના FADA (ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ અસોસિએશન) ના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ સંતોષકારક રહ્યું છે. દેશમાં વેચાતા વાહનોમાં ઈવીનો હિસ્સો 1.3% છે અને ઈવી વેચાણમાં સુરતનો હિસ્સો લગભગ 3% છે. સુરત નવી ટેકનોલોજીને ઝડપથી સ્વીકારે છે. સરકાર દ્વારા આપવામાં આવતા પ્રોત્સાહનો પણ વધુ ગ્રાહકોને આકર્ષિત કરી રહ્યા છે.