Site icon Revoi.in

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

Social Share

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેથી મધુબન ડેમનું લેવલ જાળવવા ડેમના 10 દરવાજા 1.01 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 60,131 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવતા દાદરા નગર હવેલી, વાપી અને દમણના વિસ્તારમા રહેતા લોકોને દમણ ગંગા નદીમાં નહાવા કે માછલી પકડવા ન જવા સૂચના આપવામાં આવી છે. સાથે નદીના તટ વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદ બાદ શુક્રવારે જિલ્લાના ઉપરવાસમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 444.14 mm વરસાદ નોંધાયો હતો. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ડેમમાં વરસાદી પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ મધુબન ડેમમાં 65,380 ક્યુસેટ પાણીની આવક વધતા ડેમનું લેવલ 78.06 મીટર પહોંચ્યું હતું. ડેમ લેવલ જાળવવા માટે ડેમના 10 દરવાજા 1.01 મીટર ખુલ્લા રાખીને દમણગંગા નદીમાં 60,131 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદી દાદરા નગર હવેલી, વાપી અને દમણના વિસ્તારમાંથી પસાર થઈ દરિયામાં મળે છે. જેથી નદીના તટ વિસ્તારમાં આવતા ગામના લોકોનો નદીમાં નહાવા કે કપડાં ધોવા ન જવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા દમણગંગા નદીના તટ વિસ્તારમાં ગામડાને એલર્ટ કરીને દમણગંગા નદીના વધતા જતા જળ સ્થર ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.