ગુજરાતમાં રવિ સીઝનમાં વાવાણી કાર્ય 62 ટકા પૂર્ણ, ઘઉંના વાવેતરમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન બમ્પર થયુ છે. ખરીફ પાકની સીઝન બાદ ખેડુતોએ રવિપાકના વાવેતરનો પ્રારંભ કર્યો હતો. રાજ્યમાં રવિપાકનું વાવેતર 62 ટકા પૂર્ણ થઈ ગયું છે. કેટલાક વિસ્તારમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર વધુ થયુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રવિ પાકોની વાવણી હવે અડધા ઉપર થઈ ગઈ છે અને સરકારી આંકડાઓ મુજબ રાજયમાં સરેરાશ વાવેતરની તુલનાએ 62 ટકા જેટલી વાવણી પૂર્ણ થઈ ગઈ છે. ખાસ કરીને ચણાના વાવેતરમાં 22 ટકાનો ઘટાડો થયો છે. જયારે ઘઉંના વાવેતરમાં 66 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર પાંચમી ડિસેમ્બર સુધીમાં રાજયમાં કુલ રવિ વાવેતર 26.01 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે આ સપ્તાહ સુધીમાં 25.17 લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં 11 ટકાનો વધારો બતાવે છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં ઘઉંનું વાવેતર 6.69 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે ચાર લાખ હેકટરમાં થયું હતું. આમ 66 ટકાનો વધારો બતાવે છે. ચણાનું વાવેતર નીચા ભાવને કારણે 22 ટકા જેટલુ ઘટીને 5.07 લાખ હેકટર થયું છે. ચણાનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ 7.75 લાખ હેકટરમાં થયું હતું. મસાલા પાકોની વાત કરીએ તો ધાણાના વાવેતર બમણા થયા છે. જયારે જીરૂના વાવેતરમાં 16 ટકાનો ઘટાડો થયો છે. જો કે સિઝનને અંતે જીરૂમાં ઘટાડો આવશે. પરંતુ ધાણાના વાવેતરમાં દોઢાથી પોણા બે ગણો વધારો થાય તેવી શકયતા છે.