નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ વાહનોને નુકશાન પહોંચાડવામાં આવ્યો પણ યુક્રેને દાવો કર્યો હતો. જો કે, યુક્રેને યુદ્ધમાં પોતાને થયેલા નુકશાની અંગેની કોઈ જાણકારી જાહેર કરી નથી. બીજી તરફ આ અંગે રશિયા દ્વારા સત્તાવાર જોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
યુક્રેને દાવો કર્યો છે કે, સાત મહિનામાં રશિયાને અકલ્પનીય નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.રશિયાના 62000 સૈનિકોના આ યુધ્ધમાં મોત થયા છે. યુક્રેને રશિયાને જે નુકસાન ઉઠાવવુ પડયુ છે તેના આંકડા જાહેર કર્યા છે.
યુક્રેનનો દાવો છે કે, રશિયાના 2478 ટેન્ક વોરમાં તબાહ થયા છે. 5129 બખ્તરિયા વાહનો તેમજ 1463 તોપોને અમે યુધ્ધમાં નષ્ટ કરી છે. રશિયાના 346 મલ્ટીપલ રોકેટ લોન્ચર, 266 ફાઈટર જેટસ, 235 હેલિકોપ્ટરો તથા 1091 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે.
યુક્રેને સાથે સાથે દાવો કર્યો છે કે, સાત મહિનામાં રશિયાની 246 ક્રુઝ મિસાઈલ્સ નષ્ટ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, યુક્રેનના તબાહ કરવામાં અને રાજધાની કીવ સહિતના દેશના વિવિધ શહેરોમાં ખાના ખરાબી નોતરવામાં રશિયાની ક્રુઝ મિસાઈલ્સનો મોટો રોલ રહ્યો છે. યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે, રશિયાના 15 યુધ્ધ જહાજો અને 3888 ફ્યુલ ટેન્કને પણ અમે ખતમ કરી દીધા છે.