નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજે પણ 600થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. ગઈકાલે 841 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આજે નવા 636 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંકડો 4394 ઉપર પહોંચ્યો છે. જ્યારે 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયાં હતા. કેરલમાં બે અને તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું હતું.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાના કેસમાં વધારા સામે રાહતની વાત એ છે કે, 548 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. આમ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને મહાત આપીને સાજા થયેલા દર્દીનો આંકડો 4.44 કરોડ ઉપર પહોંચ્યો છે. આમ રાષ્ટ્રીય રિકવરી દર 98.81 ટકા ઉપર પહોંચ્યો છે. જ્યારે કોરોના કેસમાં મૃત્યુ દર 1.18 ટકા જેટલો થયો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે ભારતમાં કોરોનાના 841 કોવિડના કેસ નોંધાયાં હતા. જેથી રાહતની વાત એ છે કે, ગઈકાલની સરખામણીએ આજે પોઝિટિવ કેસમાં ઘટાડો થયો હતો. સાત મહિના બાદ 800થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ કોવિડના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવા માટે સુચના આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 200 કરોડથી વધારે કોવિડના ડોઝ આપવામાં આવ્યાં છે. તેમજ દેશની જનતાને કોવિડથી ડરવાને બદલે સાબદા રહેવા માટે અપીલ કરવામાં આવી છે.