અમદાવાદઃ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં 100 ફુટ રોડ પર એક પેટ્રોલ પંપની બાજુમાં આવેલા એક કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગતા બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ત્વરિત કામગીરી કરીને બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના પ્રહલાદનગર રોડ ઉપર શેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમા માળે આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. દરમિયાન આસપાસના ફાયર સ્ટેશનથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ તેમજ ફાયર ફાઈટરને બોલાવ્યા હતા અને ઓફિસરને મૂક્યા હતા. ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ કરાયુ હતુ.
ફાયરના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રહલાદનગરના કોમર્શિયલ બિલ્ડિંગમાં નવમાં માળે લાગેલી આગ 10 અને 11મા માળે પ્રસરી હતી. આગ લાગતા બિલ્ડિંગમાં રહેલી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે, આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આગની ઘટનાને લઈને લોકોના ટોળાં એકઠા થયા હતા. ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી અને બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને કેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ફાયર વિભાગના જવાનોએ આગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રથામિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે બિલ્ડિંગના 9થી 11મા માળે ઈલેક્ટ્રિક ડગમાં આગ લાગી હતી. જેથી હાઈડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. આગને પગલે લોકો ભાગીને ધાબા પર જતાં રહ્યા હતા. જ્યાંથી ફાયર બ્રિગેડની ટીમ તેમનું રેસ્ક્યૂ કર્યું હતું