અમદાવાદઃ ગુજરાતના નાના-મોટા શહેરોમાં ટ્રાફિકના નિયમન માટે ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી જવાનોની માનદ સેવા લેવામાં આવી રહી છે. રાજ્યમાં હાલ 9000 જેટલા ટીઆરબી જવાનો માનદ સેવા આપી રહ્યા છે. જેમાં મોટાભાગના જવાનો 5થી લઈને 10 વર્ષથી સેવા આપી રહ્યા છે. આવા 6400 જેટલા ટીઆરબી જવાનોની સેવાને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે જવાનોને છૂટા કરાશે. તેની સ્થાને નવા ટીઆરબી જવાનોની ભરતી કરવામાં આવશે.
ડીજીપી કચેરીના સૂત્રોમાંથી જણવા મળ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં ટ્રાફિકનું સંચાલન કરી રહેલા 9000 ટીઆરબી જવાનોમાંથી 6400 ટીઆરબી જવાનોને ક્મશઃ છૂટા કરવાનો નિર્ણય રાજ્ય પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે. એક જ જગ્યાએ 5 કે 10 વર્ષ સુધી કામ કરી રહેલા જવાનોને ક્રમશઃ છુટા કરવામાં આવશે. માનદ વેતનથી કામ કરી રહેલા ટ્રાફિક બ્રિગ્રેડ જવાનોની વિવિધ કચેરી તરફથી માહિતી મંગાવાતા ધ્યાને આવ્યુ હતું કે, આશરે 9000માં 6400 જેટલાં ટ્રાફિક બિગ્રેડના જવાનો 5 કે તેનાથી વધુ વર્ષથી સેવા આપી રહ્યા છે. જેમાં 1100 જવાનો એવા છે. કે, તેમને 10 વર્ષનો સમય પૂર્ણ કર્યો છે. આશરે 3 હજાર સભ્યોએ ટ્રાફિક બ્રિગેડમાં 5 વર્ષનો સમયગાળો પૂર્ણ કર્યો છે અને આશરે 2300 સભ્યો 3 વર્ષથી વધારેનો સમય પૂર્ણ કર્યો છે. ટ્રાફિક બ્રિગેડના જવાનોએ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખૂબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. જેથી, ટ્રાફિક બ્રિગેડ સભ્યોની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ કર્યા છે. તેઓને 30 નવેમ્બર 2023, અને જે જવાનોનો સેવાનો 5 વર્ષથી વધુ સમયગાળો છે તેમને 31 ડિસેમ્બર 2023 રોજ અને 3 વર્ષથી વધુ સમય પૂર્ણ કરેલા જવાનોને 31 માર્ચ, 2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવાનો આદેશ કરાયો છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડીજીપી કચેરી દ્વારા આ અંગે પરિપત્ર જારી કરી દેવામાં આવ્યો છે, જેમાં પ્રથમ તબક્કામાં 10 વર્ષની નોકરી થઈ હોય એવા ટીઆરબી જવાનોને સેવામાંથી મુક્ત કરવામાં આવશે. ત્યારબાદ પાંચ વર્ષના કાર્યકાળવાળા ટીઆરબી જવાનને મુક્ત કરવામાં આવશે. એક જ જગ્યાએ 10 વર્ષથી વધુ સમય સુધી ફરજ પર રહેવું તે યોગ્ય નથી, જેથી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે તબક્કાવારમાં અમલમાં આવશે એટલું જ નહીં આ ખાલી પડેલી જગ્યાઓ આગામી સમયમાં ભરવામાં પણ આવશે.