બગોદરા-તારાપુર વચ્ચે 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિક્સલેન હાઈ-વેનું લોકાર્પણ કરાયું
ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતા રહેતા અને અકસ્માતો માટે કૂખ્યાત બનેલા બગોદરા-તારાપુર હાઈવેને સિક્સલેન કરાતા હાઈવેનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્પ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપુર 54 કિલોમીટર 6 લેન થયેલા માર્ગનું લોકાર્પણ કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, સહિતની કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે ગુજરાતને વિકાસના રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ 54 કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું. રાજ્યના માર્ગ-મકાન વિભાગે બગોદરા-તારાપૂર-વાસદના સમગ્ર માર્ગને 6 લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ.1005 કરોડના ખર્ચે 6 લેન કામગીરી ઓક્ટોબર-2021માં પૂર્ણ કરી દીધી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું કે, ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં વિકાસને નવી ગતિ આપીને નીત નવા સિમાચિન્હો હાંસલ કરી રહ્યું છે. વિકાસની રાજનીતિથી છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને પણ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાથી સાંકળી લઇને વિકાસ કોને કહેવાય તે આપણે લોકોને બતાવી દીધુ છે. હવે લોકોએ પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ વાત સ્વીકારી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ વિકાસની સ્પર્ધાનો યુગ શરૂ કરાવ્યો છે અને છેક છેવાડાના માનવી સુધી સુખ, સુવિધા પહોચાડવાના કરોડો રૂપિયાના વિકાસ કામોથી લોકોને સાંકળ્યા છે. વિકાસની પ્રાથમિક શરત એવી ત્રણ મુખ્ય બાબતો શિક્ષણ, સ્વાસ્થ્ય અને શાંતિને પણ સરકારે અગ્રતા આપી છે. ગ્રામીણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં 13700 કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. 4086 કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે.