Site icon Revoi.in

અમદાવાદની 65 શાળાઓએ નિયમ કરતા વધારે ફી ઉઘરાવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. જો કે, અમદાવાદમાં અનેક શાળા સંચાલકો આ કાયદાને અવગણીને વાલીઓ પાસેથી ઉંચી ફી વસુલતા હોવાનું સામે આવ્યું છે. શહેરની લગભગ 65 જેટલી શાળાઓએ નિયમ કરતા વધારે ફી વસુલીને વાલીઓ પાસેથી રૂ. 2 કરોડથી વધારેની રકમ ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. 17 જેટલી સ્કૂલો દ્વારા વધારાની ફી વાલીઓને ચૂકવવામાં આવી છે. જો કે, 48 જેટલી સ્કૂલો દ્વારા ફી પરત ચુકવવામાં નહીં આવી હોવાથી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ફીનું ધોરણ નિયંત્રિત રાખવા સરકારે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી છે. જેમાં એફઆરસી નિર્ધારિત ધોરણ મુજબ જ સંચાલકો ફી વસૂલી શકે છે. જો સંસ્થા વધુ ફી વસૂલવા ઇચ્છતી હોય તો તેઓએ સાંયોગિક પુરાવા અને કારણ સાથે એફઆરસીને રજૂઆત કરવી ફરજીયાત છે. એફઆરસી મંજૂરી આપે ત્યારબાદ જ વધારાની ફી વસૂલી શકે છે.

દરમિયાન અમદાવાદમાં એફઆરસીના આ નિયમનો 65 શૈક્ષણિક સંસ્થાઓએ ભંગ કર્યો હોવાની માહિતી એકાઉન્ટન્ટ જનરલના તપાસ અહેવાલમાં બહાર આવી છે. વર્ષ-2012-13 થી શરૂ કરીને વર્ષ-2018-19 સુધીના 6 વર્ષ દરમિયાન એફઆરસીના નિર્ધારિત ફી ધોરણનું ઉલ્લંઘન કરીને શૈક્ષણિકસંસ્થાઓએ 2 કરોડથી વધારે વધુ ફી વસૂલી છે. જો કે 65 પૈકી 17 શૈક્ષણિકસંસ્થાઓએ નિર્ધારિત કરતાં વધુ વસૂલ કરેલી ફી વિદ્યાર્થીઓના વાલીને પરત પણ કરી છે. પરંતુ આજની સ્થિતિએ 48 શૈક્ષણિક સંસ્થાઓ હજી સક્રિય બની નથી. 48 સંસ્થા સામે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવીને 2 દિવસમાં ફી પરત કરવાની કડક સૂચના આપી છે.