અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ હવે પખવાડિયામાં જ જાહેર કરી દેવાશે. બીજીબાજુ ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી આવતા મહિને એટલે કે મે મહિનામાં શરૂ કરી દેવાશે. ગુજરાતમાં ઈજનેરીની 66000 બેઠકો તેમજ ફાર્મસીની 9000 બેઠકો ઉપલબ્ધ છે. એટલે પ્રવેશની સમસ્યા સર્જાશે નહીં. ગત વર્ષે પણ ઈજનેરીમાં હજારો બેઠકો પ્રવેશના અંતિમ રાઉન્ડ બાદ ખાલી રહી હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં એ ગૃપના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી આ વર્શે વધુ બેટકો ખાલી રહે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા રાજ્યભરની ડિગ્રી ઇજનેરી, ફાર્મસીની 75 હજાર બેઠક પર પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો મે મહિનાથી પ્રારંભ થશે. આ રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા અંગેની સત્તાવાર જાહેરાત એક- બે દિવસમાં કરવામાં આવશે. એસીપીસીના મેમ્બર સેક્રેટરી ડો. રાજુલ ગજ્જરે જણાવ્યું કે, ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના હિત અને સવલતોને ધ્યાનમાં રાખીને આ વિદ્યાર્થીલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિતની 135 ડિગ્રી ઈજનેરી કોલેજોની 66 હજાર બેઠક ઉપલબ્ધ છે. જ્યારે તે જ પ્રમાણે ડિગ્રી ફાર્મસીમાં પણ રાજ્યની 90 કોલેજની 9 હજાર બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ તેમ જ અન્ય બોર્ડમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટેની મીટ માંડીને બેઠા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની વિવિધ ડિપ્લોમા ઈજનેરી કોલેજોની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંગે 65 સ્થળે 29 એપ્રિલથી 11 જૂન સુધી દર શનિવાર અને રવિવારે માર્ગદર્શન કાર્યક્રમ યોજાશે. ધોરણ 10 પછી ડિપ્લોમા, આઈટીઆઈ, ટીઈબીના ધો.10 બાદના બે વર્ષના લાયકાત ધરાવતા પ્રમાણપત્ર ધારકો માટે સીધા ડિપ્લોમાના બીજા વર્ષ (સીટુડી)માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.