પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં હાલ કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે. જેમાં હવે પાલનપુર, અંબાજી, ડીસા, અને થરાદ તેમજ હાઈવે અને ચેકપોસ્ટ પર વધુ 674 કેમેરા લગાવવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસની નીગરાની માટે સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ પાલનપુર શહેરમાં 18 જગ્યા પર કુલ 147 તેમજ અંબાજીમાં 09 જગ્યા પર 54 એમ કુલ 27 જગ્યા પર 201 સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. આ કેમેરામાંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. હવે જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં 19 લોકેશન પર 84, પાલનપુરમાં 37 જગ્યા પર 170, ડીસામાં 40 જગ્યા પર 248, થરાદમાં 21 જગ્યા પર 133 તેમજ સાત ચેકપોસ્ટ પર 39 સીસીટીવી કેમેરા મળી કુલ 124 જગ્યા પર 674 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. જેને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લા અંબાજી અને પાલનપુરમાં 201 જેટલાં કેમેરા હતા જેની સંખ્યા વધારીને 875 કેમેરા લગાવા જઈ રહ્યા છે. નવા 674 કેમેરા વિશ્વાસ ફેસ ટુ માં લગાવ ના છે. ડીસા થરાદ ચેકપોસ્ટ પર કેમરા લગાવવાના છે, કેમેરા લગાવવાથી મોટો ફાયદો થશે.