Site icon Revoi.in

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

Social Share

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ,ભૂકંપની તીવ્રતા 7.4 હતી, તેનું કેન્દ્ર તાઈવાનના હુઆલીન શહેરથી 18 કિલોમીટર દક્ષિણમાં 34.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપની તીવ્રતા 7.7 હતી. તાઈપેઈના સિસ્મોલોજીકલ અધિકારીએ જણાવ્યું હતું કે તાઈવાનમાં ભૂકંપ 25 વર્ષમાં સૌથી મોટો હતો.

ભૂકંપને પગલે નાની-મોટી ઈમારતો અચાનક ધ્રૂજવા લાગી હતી. ખતરનાક ભૂકંપનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દેશના અલગ-અલગ શહેરોમાંથી ડરામણી તસવીરો સામે આવી છે. રાજધાની તાઈપેઈમાં, જૂની ઈમારતો અને કેટલાક નવા ઓફિસ કોમ્પ્લેક્સમાંથી ટાઈલ્સ પડી ગઈ હતી. ભૂકંપનું કેન્દ્ર તાઈવાન ટાપુના પૂર્વ કિનારે આવેલા પાણીમાં હતું.

તાઈવાનના સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈવાન ટાપુના પૂર્વ કિનારે આવેલા પાણીમાં હુઆલીયનની પૂર્વીય કાઉન્ટીના કિનારે હતું. ભૂકંપનું કેન્દ્ર પાણીમાં હોવાને કારણે જમીન પર વધુ વિનાશની અપેક્ષા નથી, તેમ છતાં દેશ અને વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 1999માં તાઈવાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ટાપુના ઈતિહાસની સૌથી ભયંકર કુદરતી આફતમાં અંદાજે 2,400 લોકો માર્યા ગયા હતા. જાપાનમાં દર વર્ષે લગભગ 1,500 ભૂકંપ આવે છે.