અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થયો છે. જેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે. નર્મદા નદીના કિનારે આકાર પામેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 50 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે સિંહનું ઘર ગણાતા જૂનાગઢના સાસણગીરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 7.75 લાખ પ્રવાસીઓએ મુલાકાત લઈને સિંહ દર્શન કર્યાં છે. જેથી સરકારને લગભગ 15 કરોડથી વધારેની આવક થઈ છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતના વિકાકલક્ષી અનેક પ્રોજેક્ટો અંગે ચર્ચા કરવામાં આવે છે. દરમિયાન સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સાસણગીર ખાતે 5.29 લાખ પ્રવાસીઓ આવ્યાં હતા. જેથી સરકારને લગભગ 10.90 કરોડની આવક થઈ હતી. આવી જ રીતે વર્ષ 2020માં 2.45 લાખ પ્રવાસીઓએ સાસણગીરની મુલાકાત લીધી હતી. જેથી સરકારને 5.30 કરોડની આવક થઈ હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં જૂનાગઢમાં લોકો ઉપર જંગલી જનાવરોના હુમલામાં વધારો થયો છે. બે વર્ષના સમયગાળામાં જાનવરના હુમલામાં 11ના મોત થયાં છે. જે પૈકી 9 મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિના વારસદાર નહીં હોવાથી તથા અન્ય એક કેસ કોર્ટમાં હોવાથી સહાય ચુકવવામાં આવી નથી.
કેવડિયા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા આવે છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધારે વ્યક્તિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. ગુજરાત સમગ્ર દેશમાંથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે છે. બીજી તરફ પ્રવાસીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.